દેશમાં મે મહિનાનું ગ્રોસ GST કલેક્શન 3.2 ટકા વધીને રૂ. 1.94 લાખ કરોડને પાર
નવી દિલ્હી, 1 જૂન 2026: નાણાકીય વર્ષ 2026-27ના બીજા મહિના એટલે કે મે 2026માં દેશના ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) કલેક્શનમાં વાર્ષિક ધોરણે 3 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો છે. જો કે, એપ્રિલ મહિનામાં મળેલા રેકોર્ડબ્રેક કલેક્શનની સરખામણીએ મે મહિનાના આંકડા થોડા નબળા રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા આજે જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડા મુજબ, મે 2026માં દેશનું ગ્રોસ જીએસટી કલેક્શન 3.2 ટકાના વધારા સાથે રૂ. 1,94,183 કરોડ પર પહોંચી ગયું છે.
નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, સપ્લાય ચેઇનમાં થયેલો સુધારો અને આયાત પર મળતા ટેક્સ કલેક્શનમાં સતત વધારાને કારણે આ વૃદ્ધિ જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે મે ૨૦૨૫માં ગ્રોસ જીએસટી કલેક્શન રૂ. 1.88 લાખ કરોડ હતું, જ્યારે ચાલુ વર્ષના એપ્રિલ 2026માં તે રૂ. 2.43 લાખ કરોડના ઐતિહાસિક રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું. મે મહિનામાં થયેલા સ્થાનિક (ઘરેલું) વ્યવહારોમાંથી મળેલા ટેક્સનું વિભાજન અનુસાર, સેન્ટ્રલ જીએસટીનો 37397 કરોડ, સ્ટેટ જીએસટી રૂ. 45143 કરોડ તથા ઈન્ટિગ્રેટેડ જીએસટી 52 હજાર કરોડનો સમાવેશ થાય છે.
-
આયાતમાંથી કમાણી વધી, સ્થાનિક મોરચે સામાન્ય ઘટાડો
મે મહિનામાં વાર્ષિક ધોરણે ટેક્સેબલ ગુડ્સ (કરપાત્ર વસ્તુઓ) ના સપ્લાયમાં 26.9 ટકાની તેજી નોંધાઈ છે, જે મજબૂત ઘરેલું માંગ દર્શાવે છે. જ્યારે સર્વિસ સેક્ટરમાં આ વધારો 22.2 ટકા રહ્યો છે, જે ભારતીય બજારમાં મજબૂત વપરાશનો સંકેત આપે છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા રૂ. 1.94 લાખ કરોડના આંકડા ગ્રોસ છે. જો આમાંથી ટેક્સ રિફંડની રકમને બાદ કરવામાં આવે, તો સરકારની તિજોરીમાં નેટ જીએસટી પેટે રૂ. 1.67 લાખ કરોડ આવ્યા છે, જે વાર્ષિક ધોરણે 3.3 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. મે મહિનામાં કુલ રિફંડ પણ 2.6 ટકા વધીને રૂ. 27281 કરોડ પર પહોંચી ગયું છે, જેમાં સ્થાનિક રિફંડમાં 4.3 ટકા અને નિકાસ સાથે જોડાયેલા રિફંડમાં 16.6 ટકાનો મોટો ઉછાળો આવ્યો છે.
મે મહિનામાં ગ્રોસ ડોમેસ્ટિક જીએસટી રેવેન્યુ (સ્થાનિક જીએસટી આવક) 2.6 ટકા ઘટીને રૂ. 1.34 લાખ કરોડ થઈ છે. જો કે, તેની સામે આયાતમાંથી થતું જીએસટી કલેક્શન વાર્ષિક ધોરણે 19.1 ટકાના જોરદાર ઉછાળા સાથે રૂ. 59654 કરોડ પર પહોંચી ગયું છે. નેટ ડોમેસ્ટિક રેવેન્યુમાં 2.3 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે આયાતમાંથી મળતી નેટ જીએસટી આવક 19.7 ટકા વધીને રૂ. 49403 કરોડ થઈ છે. જાણીતી કન્સલ્ટન્સી ફર્મ ‘કેપીએમજી’ના ઇનડાયરેક્ટ ટેક્સ હેડ અને પાર્ટનર અભિષેક જૈનના જણાવ્યા અનુસાર, આયાતમાંથી જીએસટી કલેક્શન વધવાનું એક મુખ્ય કારણ વૈશ્વિક બજારમાં રૂપિયાનું નબળું પડવું હોઈ શકે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, નિકાસ પર મળતા આઈજીએસટી રિફંડમાં સતત થઈ રહેલો વધારો પ્રોત્સાહક છે. આનાથી નિકાસકારો પાસે લિક્વિડિટી (નાણાકીય તરલતા) જળવાઈ રહેશે, જે દેશની સપ્લાય ચેઇનને વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.


