
અમદાવાદમાં ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં GSTના દરોડા, લોખંડ અને સ્ક્રેપના વેપારીઓમાં ફફડાટ
અમદાવાદઃ શહેરના ઓઢવ અને નરોડા વિસ્તારમાં ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં લોખંડ અને સ્ક્રેપના ધંધાર્થીઓ અને વેપારી વેપારીઓની 10 પેઢીઓ પર સેન્ટ્રલ GST વિભાગે દરોડા પાડતા અનેક અનિયમિતતા જોવા મળી હતી. વેપારીઓએ મોટા પ્રમાણમાં બિલ વગર માલની ખરીદી અને વેચાણ કર્યાના પુરાવા હાથ લાગ્યાનું કહેવાય છે. તપાસમાં આ 10 પેઢીઓ સાથે સંકળાયેલ અન્ય વેપારીઓ અને પેઢીઓ સુધી તપાસનો દોર લંબાય તેવી શક્યતા હોવાનું જીએસટીના અધિકારીઓ જણાવી રહ્યા છે. CGSTના દરોડાને લઇને વેપારીઓમાં ભય અને ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. ઇન્કમ ટેક્સ બાદ હવે સેન્ટ્રલ GSTના અધિકારીઓએ અમદાવાદના વેપારીઓ પર દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
જીએસટી વિભાગના સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ શહેરના ઓઢવ અને નરોડા વિસ્તારમાં લોખંડ અને સ્ક્રેપના ધંધાર્થીઓ અને પેઢીઓ પર જીએસટી વિભાગના અધિકારીઓએ સર્ચ હાથ ધરતા અનેક અનિયમિતતા જોવા મળી હતી. સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓને લોખંડ અને ભંગારના વેપારીઓ બિલ વગર માલની ખરીદી અને વેચાણ કરીને ગેરરીતિ કરતાં હોવાની માહિતી મળી ગઇ હતી. ખરીદ-વેચાણના બિલો અને સ્ટોકની પણ માહિતી મેળવવામાં આવી રહી છે. અધિકારીઓએ પેઢીના હિસાબો ચેક કરવા ઉપરાંત તેમના ઇનવોઇસ અને અન્ય ડિઝીટલ ડેટા અને હિસાબના ચોપડાઓ જમા લઇને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં જ લાખો રૂપિયાની CGSTની ચોરીની વિગતો મળી છે. હવે તેની તપાસ દરમિયાન મોટી ગેરરીતિ સામે આવે તેવી શક્યતા છે.
જીએસટી વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે, લોખંડના સ્ક્રેપના કેટલાક વેપારીઓ બિલ વિના ખરીદ-વેચાણ કરતા હતા. હિસાબી ચોપડાં અને સ્ટોકમાં રખાયેલો માલની ચકાસણી કરવામાં આવી રહી છે. ઉપરાંત કોમ્પ્યુટરમાંથી ડિઝિટલ ડેટા પણ એકત્ર કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓના સર્ચને લીધે વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.