
ઈરાન અને ઈઝરાયેલ પ્રવાસ કરતા ભારતીય નાગરિકો માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ
નવી દિલ્હીઃ વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને ઈરાન અને ઈઝરાયેલના પ્રવાસ દરમિયાન સતર્ક રહેવા અને ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવાની સલાહ આપી છે. ઈરાન અને ઈઝરાયલના સંદર્ભમાં ટ્રાવેલ માર્ગદર્શિકા અંગેના મીડિયાના પ્રશ્નના જવાબમાં મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે તેઓએ નોંધ્યું છે કે ઈરાન અને ઈઝરાયેલે ઘણા દિવસોથી તેમની એરસ્પેસ ખોલી છે. તેમણે કહ્યું કે ભારત આ ક્ષેત્રની સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે.
ઓક્ટોબર મહિનામાં હમાસના આતંકવાદીઓ હથિયારો સાથે ઈઝરાયલમાં ઘુસી ગયા હતા અને ખૂની ખેલ ખેલ્યો હતો. જેની ભારત સહિતના દેશોએ નિંદા કરી હતી. હમાસના હુમલા બાદ ઈઝરાયલે હમાસના ખાતમાની પ્રતિજ્ઞા લીધી હતી. તેમજ હમાસના ઠેકાણા ઉપર ઈઝરાયલ દ્વારા સતત હુમલા કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન હમાસના આતંકવાદીઓને ઈરાને સમર્થન આપી રહી છે. એટલું જ નહીં ઈઝરાયલના હુમલામાં ઈરાનની ઈમારતને નુકશાન થયું હતું. જેથી નારાજ ઈરાને પણ ઈઝરાયલ ઉપર અનેક મિશાઈલો વડે હુમલો કર્યો હતો. જો કે, મોટાભાગની મિસાઈલોને ઈઝરાયલ અને અમેરિકાએ આધુનિક ટેકનોલોજીથી નિષ્ફળ બનાવી હતી.