
ગુજરાત કાળઝાળ ગરમીમાં શેકાયું, અમદાવાદ સહિત 5 શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રી વટાવી ગયો
અમદાવાદઃ ગુજરાતમાં અસહ્ય ગરમીમાં લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. રાજ્યમાં અમદાવાદ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર સહિત 5 શહેરોનું તાપમાન 45 ડિગ્રીએ પહોચ્યું છે. અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બપોરના સમયે લોકોને કામ વિના ઘરની બહાર ન નિકળવા તેમ ગરમીથી બચવા માટે તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. રાજ્યમાં અસહ્ય ગરમીને કારણે જનજીવન પર અસર પડી રહી છે. રાજ્યમાં હિટ સ્ટોકના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા એક મહિનામાં હિટ સ્ટોકના 2250 જેટલા કેસ સરકારી હોસ્પિટલમાં નોંધાયા હતા.
રાજ્યના હવામાન વિભાગે 21 મેથી 25 મે સુધી રાજ્યમાં હિટવેની આગાહી કરી છે. જેથી રાજ્ય સરકારે પણ કામ વિના ગરમીમાં બહાર ન નીકળવા માટે લોકોને અપીલ કરી છે. આ ઉપરાંત પાણી વધારે પ્રમાણમાં પીવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે. ખાસ કરીને જે લોકોને હૃદયની બીમારી છે, તેવા લોકોએ ઘરથી બહાર નીકળવાનું ટાળવાની આરોગ્ય વિભાગે સૂચન કર્યું છે. ખાસ કરીને શહેરી વિસ્તારમાં પ્રદૂષનને કારણે પણ ગરમીના પ્રમાણમાં વધારો જોવા મળ્યો હતો.
ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી તાપમાનમાં થઈ રહેલા વધારાને કારણે વીજળીની માંગમાં પણ 13 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે જે દિવસોમાં સૌથી વધારે વીજળીની માંગ હતી. તેની સરખામણીએ આ વર્ષે વીજળીની માગમાં 13 ટકાનો વધારો નોંધાયો છે. આજે મંગળવારે પણ પણ અમદાવાદનું મહત્તમ તાપમાન 45 ડિગ્રી નોંધાયું છે. આગામી 4 દિવસ એએમસીએ શહેરમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેનો અર્થ એ થાય છે કે, ગરમીનો પારો 45 ડિગ્રી કે તેથી વધુ રહી શકે છે. 2013થી મ્યુનિ.એ શહેરમાં ગરમીમાં રેડ એલર્ટ આપવાની શરૂઆત કરી છે. શહેરમાં ગરમી વધવાને લીધે હીટ સ્ટ્રોકના કેસમાં પણ વધારો થયો છે. છેલ્લા 19 દિવસમાં ગરમીથી ચક્કર આવવા, માથું દુ:ખવું, પેટમાં દુ:ખાવો થયો, બેભાન થવાના 5 હજારથી વધુ કેસ મ્યુનિ. હોસ્પિટલોમાં નોંધાયા છે. એપ્રિલના 30 દિવસમાં 6505 લોકોને હીટસ્ટ્રોકની અસર થઈ હતી. રેડ એલર્ટને પગલે મ્યુનિ.એ બાંધકામ સાઇટ પર કામ કરતાં મજૂરો માટે બપોરે 12થી 4 દરમિયાન કામગીરીમાંથી મુક્તિ માટે સંબંધિત કોન્ટ્રાક્ટરને સૂચના આપી છે. 48 વોર્ડમાં પણ પાણીની પરબ ઉભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં લો-પ્રેશર સક્રિય થતાં 25મી પછી ગરમી ઘટવાની શક્યતા છે. બંગાળની ખાડીમાં આગામી 24 કલાકમાં એક લો-પ્રેશર સક્રિય થશે, તેમજ ક્રમશ મજબૂત બનીને ડીપ્રેશનમાં ફેરવાશે અને 22થી 23 મે સુધી ગુજરાત સુધી પહોંચશે, તેમજ આ દરમિયાન એન્ટિ સાઈક્લોનિક સરક્યુલેશનની અસર ઘટવાની સાથે ડીપ્રેશનની અસરથી ગરમીમાં પણ ઘટાડો થશે. પરંતુ, આગામી 24 મે સુધી અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પારો 44થી 45 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા હોવાથી ગરમી યથાવત રહેશે. પરંતુ, 25 મે બાદ રાજ્યમાં ગરમીમાં ઘટાડો થવાની પ્રબળ શક્યતા છે.