
ગુજરાત કોંગ્રેસ દ્વારા પિડિતોને ન્યાય માટે 1લી ઓગસ્ટથી નીકળશે ન્યાયયાત્રા, રાહુલ ગાંધી જોડાશે
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસ દ્વારા મોરબીના પુલકાંડ, રાજકોટનો અગ્નિકાંડ, વડોદરાનો બોટકાંડ, સુરતનો તક્ષશીલાકાંડ સહિતના પિડિતોને ન્યાય અપાવવા માટે આગામી તા. 1લી ઓગસ્ટથી 15 દિવસની ન્યાયયાત્રા કાઢવામાં આવશે. આ ન્યાય યાત્રામાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી જોડાશે
સેવાદળના લાલજી દેસાઈએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવા માટે રાજકોટ બંધનું એલાન અપાયું હતું તેને સફળતા મળી હતી. રાજકોટ બંધ સફળ રહ્યું હતું. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના, વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના અને સુરતના તક્ષશીલા અગ્નિકાંડ સહિતની અન્ય દુર્ઘટનાના પીડિતોને પણ ન્યાય અપાવવા માટે કોંગ્રેસે ન્યાય યાત્રાનું આયોજન કરાયુ છે. આગામી તા. 1લી ઓગસ્ટની 15મી ઓગસ્ટ સુધી સળંગ પંદર દિવસ પદયાત્રા મોરબીથી અમદાવાદ સુધી યોજાશે. જેમાં પીડિત પરિવારો, ન્યાય માટે લડનારા યોદ્ધા એક બાદ એક શહેરથી જોડાશે. ન્યાય યાત્રામાં મોરબી, ટંકારા, રાજકોટ,ચોટીલા, સાયલા, સુરેન્દ્રનગર, વિરમગામ, સાણંદ અને છેલ્લે અમદાવાદ પહોંચશે. 15મી ઓગસ્ટના રોજ અમદાવાદ ખાતે ગુજરાતનો મહા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસના જિજ્ઞેશ મેવાણી સહિત ત્રણ નેતાઓ પિડિત પરિવારોને મળ્યા હતા. અને તેમની વેદનાને સમજવાની કોશિષ કરી હતી. બધા પિડિતો પરિવારોની એક જ વાત છે. કે, અમને નિષ્પક્ષરીતે ઝડપી ન્યાય મળવો જોઈએ. અને જવાબદારોને યોગ્ય સજા થવી જોઈએ. એટલે પિડિતોને ન્યાય મળી રહે તે માટે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
સેવાદળના લાલજી દેસાઈએ ઉમેર્યુ હતું કે, જ્યાં જ્યાં અન્યાય થયો હોય ત્યાં પિડિતોને અવાજ રાહુલ ગાંધી ઉઠાવી રહ્યા છે. મણીપુરથી મુંબઈ સુધીની ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી આખા દેશનો અવાજ બન્યાં. મને પોતાને પણ વિશ્વાસ છે કે આમંત્રણ આપવાની જરૂર નહીં પડે, સામેથી એમ કહેશે કે આવી કોઈ ન્યાય યાત્રા હોય તો હું હિસ્સો બનીશ. એ રાહુલ ગાંધી ગુજરાતની ન્યાય યાત્રામાં ભાગ લેવા માટે આવશે.એવી મને ખાતરી છે.