
અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા 37 જેટલા ઓવરબ્રિજ અને અંડરબ્રિજ થોડા ક્ષતિગ્રસ્ત હોવાથી રૂપિયા 2.18 કરોડના ખર્ચે મરામત કરાવવાનો મ્યુનિ.કોર્પોરેશને નિર્ણય લીધો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા તમામ ઓવરબ્રિજ અને અંડર બ્રિજ બંને જગ્યાએ ઇન્સ્પેક્શન દરમિયાન નાનું મોટું રીપેરીંગ કરવાની જરૂરિયાત ઊભી થતા રૂ. 2.81 કરોડના ખર્ચે રીપેરીંગ કરવા માટેની દરખાસ્ત રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં મંજૂર કરવામાં આવી હતી. બ્રિજના રીપેરીંગ માટે ટેન્ડરને મંજૂરી આપવામાં આવી છે. મોટાભાગના બ્રિજમાં ફૂટપાથ પણ તૂટી ગયેલી જોવા મળી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના નરોડા ખાતે બે વર્ષ પહેલાં જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલો નરોડા રેલવે ઓવરબ્રિજના સ્ટ્રક્ચરમાં પણ રીપેરીંગ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે તેમજ ક્યાંક નાના- મોટા ખાડા પણ પડી ગયા છે. આ ઉપરાંત શાહીબાગ અંડરબ્રિજમાં પણ દીવાલોમાં તિરાડ અને રેલ્વેના ભાગમાં કિનારીઓ કાટ ખાઈ ગયેલી છે. એએમસી દ્વારા નીમવામાં આવેલા બે કન્સલ્ટન્ટ દ્વારા આપવામાં આવેલા આ રિપોર્ટના આધારે પૂર્વ વિસ્તારના કુલ 37 જેટલા ઓવરબ્રિજ-અંડરબ્રિજ રૂ. 2.81 કરોડના ખર્ચે રીપેરીંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, મોરબી બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યમાં આવેલા તમામ બ્રિજોનું ઈન્સ્પેક્શન કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલા તમામ 88 બ્રિજ ત્રણ અલગ-અલગ તબક્કામાં બ્રિજના ચકાસણી માટે કન્સલ્ટન્ટ નિમવામાં આવ્યા હતા જેમાં પૂર્વ વિસ્તારમાં 37 જેટલા બ્રિજોની ચકાસણી કરવામાં આવી હતી. દરેક બ્રિજમાં નાના-મોટા રીપેરીંગની જરૂરિયાત ઊભી થઈ છે. સાબરમતી નદી પર આવેલા જમાલપુર અને એલિસબ્રિજ બંનેના NDT અને DT રિપોર્ટ કરાવવાની જરૂરિયાત ઊભી થઈ છે.
પૂર્વ વિસ્તારમાં આવેલા તમામ ઓવરબ્રિજ અને અંડર બ્રિજ બંને જગ્યાએ ઇન્સ્પેક્શન દરમિયાન નાનું મોટું રીપેરીંગ કરવાની જરૂરિયાત ઊભી થતા રૂ. 2.81 કરોડના ખર્ચે રીપેરીંગ કરવા માટેની દરખાસ્ત રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં મંજૂર કરવામાં આવી છે. બ્રિજના રીપેરીંગ માટે શ્રીરામ ઇન્ફ્રાકેર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના વાર્ષિક ટેન્ડરને મંજૂરી આપવામાં આવી છે. મોટાભાગના બ્રિજમાં ફૂટપાથ પણ તૂટી ગયેલી જોવા મળી છે.