1. Home
  2. ગુજરાતી
  3. ત્વિષા શર્મા કેસ: સુપ્રીમ કોર્ટે કહ્યું ઘટના દુર્ભાગ્યપૂર્ણ, નિષ્પક્ષ તપાસ જરૂરી
ત્વિષા શર્મા કેસ: સુપ્રીમ કોર્ટે કહ્યું ઘટના દુર્ભાગ્યપૂર્ણ, નિષ્પક્ષ તપાસ જરૂરી

ત્વિષા શર્મા કેસ: સુપ્રીમ કોર્ટે કહ્યું ઘટના દુર્ભાગ્યપૂર્ણ, નિષ્પક્ષ તપાસ જરૂરી

0
Social Share

નવી દિલ્હી, 25 મે 2026: ભોપાલના ચકચારી ત્વિષા શર્મા કેસમાં સોમવારે (25 મે, 2026) સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે આ કેસમાં ન્યાયતંત્ર પર લગાવવામાં આવી રહેલા આક્ષેપો અંગે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે મૃતકના સાસુ પૂર્વ જિલ્લા જજ છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે ન્યાયતંત્ર આરોપીઓને બચાવી રહ્યું છે, જે સાંભળીને અમને અત્યંત દુઃખ થયું છે. આ સાથે જ કોર્ટે મીડિયાને પણ જવાબદારીપૂર્વક પોતાનું કામ કરવાની સલાહ આપી છે.

બાર એન્ડ બેન્ચના રિપોર્ટ અનુસાર, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે એવી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે કે ન્યાયતંત્ર આ કેસમાં નિષ્પક્ષ ટ્રાયલ થવા દેતું નથી. કોર્ટે કહ્યું, “અમને એ વાતમાં કોઈ શંકા નથી કે પીડિત અને આરોપી પક્ષ તપાસમાં પૂરો સહકાર આપશે. રાજ્યની એજન્સી હોય કે સીબીઆઈ, અમને ખાતરી છે કે જે પણ તપાસ કરી રહ્યું છે તે તપાસને તાર્કિક નિષ્કર્ષ સુધી પહોંચાડશે અને સત્ય બહાર લાવશે.” નોંધનીય છે કે આ કેસની સુનાવણી સીજેઆઈ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચ કરી રહી છે.

આ પણ વાંચોઃ NEETપેપર લીક વિવાદમાં સુપ્રીમ કોર્ટે એનટીએ અને કેન્દ્ર સરકારનો ઉધડો લીધો

સુનાવણી દરમિયાન કોર્ટે મીડિયાને અપીલ કરી હતી કે કોઈ એક પક્ષના નિવેદનના આધારે દાવાઓ ન કરવામાં આવે. કોર્ટે કહ્યું, “અમે પીડિત પરિવાર અને આરોપી પક્ષને પણ કહેવા માંગીએ છીએ કે જાહેર નિવેદનો આપવાને બદલે તપાસ એજન્સી સમક્ષ પોતાની વાત રજૂ કરે, જેથી તપાસ પર કોઈ વિપરીત અસર ન પડે.” આ ઉપરાંત, કોર્ટે મીડિયાને સંભવિત સાક્ષીઓ અને આરોપીઓના બિનજરૂરી નિવેદનો ન લેવા વિનંતી કરી છે, કારણ કે આનાથી તપાસના પરિણામો પ્રભાવિત થઈ શકે છે. કોર્ટે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ઉચ્ચસ્તરીય તપાસ એજન્સી CBI આ કેસની સઘન તપાસ કરશે.

કોર્ટે પોતાના આદેશમાં નોંધ્યું છે કે 12 મેના રોજ 33 વર્ષીય ત્વિષા શર્માનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું હતું. મીડિયા રિપોર્ટ્સમાં પોલીસ તપાસની નિષ્પક્ષતા પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. મૃતકના પતિ વ્યવસાયે વકીલ છે અને સાસુ નિવૃત્ત જિલ્લા ન્યાયાધીશ છે. કોર્ટે કહ્યું કે, એવી છબી ઊભી કરવામાં આવી કે તપાસ સાફ-સુથરી નથી થઈ રહી, જેના કારણે અમે જાતે જ સંજ્ઞાન લીધું હતું. આ દરમિયાન મધ્યપ્રદેશ હાઈકોર્ટે પણ ફરીથી પોસ્ટમોર્ટમની માંગનો ઉકેલ લાવ્યો હતો.

કોર્ટને માહિતી આપવામાં આવી હતી કે દિલ્હી એઈમ્સના ડોક્ટરોએ ભોપાલ જઈને ફરીથી પોસ્ટમોર્ટમ કર્યું છે અને હવે પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર પણ થઈ ચૂક્યા છે. મધ્યપ્રદેશ સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને ખાતરી આપી હતી કે રાજ્ય સરકારે CBI તપાસની ભલામણ કરી છે અને તે જલ્દી શરૂ થશે. સુનાવણી દરમિયાન આરોપી પરિવાર વતી વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ દવે હાજર રહ્યા હતા. તેમણે કોર્ટને વિનંતી કરી હતી કે એ સ્પષ્ટ કરવામાં આવે કે સુપ્રીમ કોર્ટમાં કેસ પડતર હોવાથી કોઈ પણ પક્ષના કાનૂની વિકલ્પોને અસર ન થવી જોઈએ. જેના જવાબમાં સીજેઆઈ સૂર્યકાંતે સહમતિ દર્શાવતા કહ્યું, “બિલકુલ.”

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code