1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પાટણમાં રૂપિયા 5000ની ઉઘરાણી માટે વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવી દીધી
પાટણમાં રૂપિયા 5000ની ઉઘરાણી માટે વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવી દીધી

પાટણમાં રૂપિયા 5000ની ઉઘરાણી માટે વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવી દીધી

0
Social Share

પાટણ, 14 જુલાઈ, 2026 Usurer burns woman alive over recovery of Rs 5,000 અસહ્ય મોંઘવારીમાં ઘણા લોકો મજબૂરીવશ થઈને વ્યાજખોરોના ચક્કરમાં ફસાતા હોય છે. ત્યારે રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ રોજબરોજ વધી રહ્યો છે. પાટણ શહેરમાં એક વ્યાજખોરે માત્ર 5000 રૂપિયાની ઉઘરાણી માટે મહિલા પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને તેને જીવતી સળગાવી દેતા ગંભીર હાલતમાં મહિલાને ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજતા પોલીસે વ્યાજખોર આરોપી બાબુ રાવળ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે,  પાટણના ખાલકપુરા વિસ્તારમાં રહેતા 35 વર્ષીય પિન્કીબેન પટણીએ પોતાના ઘરખર્ચની જરૂરિયાત પૂરી કરવા માટે વ્યાજ-વટાવનો ધંધો કરતા બાબુભાઈ રાવળ નામના વ્યાજખોર પાસેથી રૂપિયા 5,000 વ્યાજે લીધા હતા. પિન્કીબેને આ વ્યાજના પૈસા પરત ચૂકવવા માટે બાબુભાઈ પાસે થોડા દિવસની મુદત (સમય) માંગી હતી. આ સામાન્ય બાબતથી ઉશ્કેરાયેલા આરોપી બાબુભાઈએ માનવતા નેવે મૂકીને મહિલા પર જ્વલનશીલ પ્રવાહી રેડી દીધું હતું અને દીવાસળી ચાંપીને તેમને જીવતા સળગાવી દેતા મહિલાએ બુમાબુમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને અત્યંત ગંભીર હાલતમાં પિન્કીબેનને તાત્કાલિક સારવાર અર્થે ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જોકે, મોતની બિલકુલ નજીક હોવા છતાં પણ હિંમત રાખીને મહિલાએ પોલીસ સમક્ષ સમગ્ર આપવીતી જણાવી હતી. પોલીસે પીડિત મહિલાનું મૃત્યુ પહેલાંનું અત્યંત મહત્વનું ‘ડાઇંગ ડિક્લેરેશન’ (મરણોત્તર નિવેદન) નોંધી લીધું હતું, જે હવે આ કેસમાં આરોપીને સજા અપાવવા માટે સૌથી મજબૂત કાનૂની પુરાવો સાબિત થશે.

આ બનાવમાં મહિલાને જીવતી સળગાવવાના ભયાનક પ્રયાસ દરમિયાન આરોપી બાબુભાઈ રાવળ પોતે પણ આશરે 40 ટકા જેટલો દાઝી ગયો હતો. જેથી હાલમાં તે પણ હોસ્પિટલમાં પોલીસ જાપતા હેઠળ સારવાર મેળવી રહ્યો છે, ત્યારે પોલીસે પહેલા આ કેસમાં આરોપી બાબુ રાવળ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો, જેમાં હવે હત્યાની કલમનો ઉમેરો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code