અમદાવાદ, 14 જુલાઈ, 2026 : Netrotsav ritual held at Jagannath Temple અષાઢી બીજના પાવન પર્વે નીકળનારી ભવ્ય રથયાત્રા પૂર્વે આજે અમદાવાદના જગન્નાથ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીની પવિત્ર અને અત્યંત મહત્વપૂર્ણ ગણાતી ‘નેત્રોત્સવ વિધિ’ ધાર્મિક શ્રદ્ધા અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે સંપન્ન થઈ હતી. પ્રભુના આ દિવ્ય સ્વરૂપના દર્શન કરવા અને રથયાત્રા મહોત્સવના સાક્ષી બનવા માટે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોનું ભારે ઘોડાપૂર ઉમટ્યું હતું. નેત્રોત્સવ વિધિની સાથે જ સમગ્ર મંદિર પરિસર ‘જય રણછોડ, માખણચોર’ ના નારાઓથી ગુંજી ઉઠ્યું છે.
અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા પૂર્વે ભગવાનને આવકારવા અને તેમના દર્શન કરવા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અષાઢી બીજના દિવસે નીકળનારી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા પૂર્વે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જગન્નાથ મંદિરે નેત્રોત્સવ વિધિમાં ઉપસ્થિત રહ્યા હતા. ઉર્જા અને જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રીના હસ્તે મંદિરમાં ધ્વજારોહણ સંપન્ન થયું હતું. ધ્વજારોહણ બાદ નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત મહાનુભાવો સાથે ભગવાનની મહાઆરતીમાં સહભાગી થયા હતા. હર્ષ સંઘવીએ ભગવાન જગન્નાથજીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા તથા રાજ્યના નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે અણસરના ૧૫ દિવસ બાદ સ્વસ્થ થઈને નિજ મંદિર પધારેલા ભગવાનના તેજસ્વી સ્વરૂપના ‘નવયૌવન દર્શન’ સાથે ગર્ભગૃહમાં પ્રભુની આંખો પર રેશમી પાટા બાંધવાની પરંપરાગત નેત્રોત્સવ વિધિ નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ હતી, જ્યાં ભક્તોને ભવ્ય ‘સોનાવેશ’ (શણગાર)માં ભગવાનના દર્શનનો લહાવો મળ્યો હતો.
જમાલપુર જગન્નાથજી મંદિર ખાતે ધ્વજારોહણ, નેત્રોત્સવ વિધિ અને મહાઆરતીમાં શહેરના મેયર હિતેશભાઈ બારોટ, સાંસદ દિનેશભાઈ મકવાણા, ધારાસભ્યો અમિત શાહ, કૌશિક જૈન, દિનેશસિંહ કુશવાહ, અમૂલ ભટ્ટ, હસમુખભાઈ પટેલ, ડેપ્યુટી મેયર અંજુબેન શાહ, રાજ્ય પોલીસ વડા જી.એસ.મલિક, શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, સહિત મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.


