ડીસા, 14 જુલાઈ, 2026 : A large quantity of suspicious ghee was seized in Deesa and Kakoshi બનાસકાંઠામાં નકલી ઘીનો જથ્થો અવાર-નવાર પકડાતો હોય છે. ત્યારે ડીસા શહેરમાંથી શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો ઝડપાયો છે. જિલ્લા SOG પોલીસે બાતમીના આધારે શહેરના કાપડી વાસ વિસ્તારમાં દરોડો પાડી નકલી ગણાતા શંખાસ્પદ ઘીનો કુલ ₹6,40,552 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઉપરાંત પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામે આવેલી એક ડેરીમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન મોમીન તોશીફભાઈ મહંમદભાઈ સંચાલિત ડેરી યુનિટમાંથી 74 કિલોગ્રામ શંકાસ્પદ લેબલ વગરનું ઘી જપ્ત કરવામાં આવ્યું હતું. તંત્રએ ઘીના નમૂના પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ બનાવની વિગત એવી છે કે, ડીસા શહેરમાં કાપડી વાસ વિસ્તારના એક મકાનમાં શંકાસ્પદ ઘીનો જથ્થો સંગ્રહ કરીને વેચવામાં આવી રહ્યો હોવાની બાતમી જિલ્લા એસઓજી પોલીસને મળતા પોલીસે તાત્કાલિક દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. સ્થળ પરથી રવીકુમાર ભરતભાઈ પંચીવાલા અને તેમના ભાગીદાર હિતેશકુમાર પ્રકાશભાઈ મહેસૂરીયા (રહે. ડીસા) મળી આવ્યા હતા. તપાસ દરમિયાન, અલગ-અલગ બ્રાન્ડના કુલ 2,334 નાના-મોટા ડબ્બા, 15 કિલોના 16 ટીન અને 120 પ્લાસ્ટિક પાઉચ મળી આવ્યા હતા. SOG પોલીસે સમગ્ર શંકાસ્પદ ઘીનો જથ્થો કબજે કરી સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં સંબંધિત વેપારીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
બીજા બનાવમાં પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામે આવેલી એક ડેરીમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન મોમીન તોશીફભાઈ મહંમદભાઈ સંચાલિત ડેરી યુનિટમાંથી 74 કિલોગ્રામ શંકાસ્પદ લેબલ વગરનું ઘી જપ્ત કરવામાં આવ્યું હતું. તંત્રએ ઘીના નમૂના પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે અને એકમને સુધારણા નોટિસ પણ ફટકારી છે.


