
સુરતઃ શહેરની લાજપોર જેલમાં કેદીઓ માટે સ્માર્ટસ્કૂલ શરૂ કરવામાં આવી છે. સ્માર્ટસ્કૂલમાં ઓડિયો, વિડિયોની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સ્માર્ટ સ્કૂલમાં કેદીઓ ધોરણ-10 અને 12 સહિત ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન પરીક્ષા માટેની તૈયારીઓ કરી શકશે. આશરે 130થી પણ વધુ કેદીઓ આ સ્માર્ટ ક્લાસમાં બેસીને ડિજિટલ બોર્ડ પર અત્યાધુનિક ટેકનોલોજી થકી પરીક્ષાની પણ તૈયારીઓ કરી શકશે.
સુરતની લાજપોર જેલમાં કેદીઓ માટે સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવી છે. જેલમાં અનેક પ્રકારના ગુનાઓમાં સામેલ અને જેલવાસ ભોગવી રહેલા કેદીઓ જ્યારે સજા પૂર્ણ કરી જેલથી નીકળે ત્યારે તેઓ રોજગાર મેળવી શકે અને સમાજમાં ફરીથી એક આદર્શ નાગરિક બનીને જીવન વિતાવી શકે. આ માટે સુરત લાજપોર સેન્ટ્રલ જેલ તંત્ર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અગાઉ જેલની અંદર સજા ભોગવી રહેલા કેદીઓ કોઈ પણ પરીક્ષા માટે બેરેક અંદર બેસીને ભણતા હતા. તેમને એક સારુ વાતાવરણ મળી શકે અને આ વાતાવરણ થકી અભ્યાસમાં રુચિ આવે આ હેતુથી આખા સ્માર્ટ ક્લાસ શરૂ કરવામાં આવી છે. તેમ જેલના અધિકારીએ જણાવ્યું હતુ.
સુરતની લાજપોર જેલમાં સ્માર્ટસ્કૂલનું ઉદ્ઘાટન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતુ. સ્માર્ટસ્કૂલ નજીક અદ્યત્તન લાયબ્રેરી પણ છે. શાળામાં અત્યાધુનિક સ્માર્ટ બોર્ડ છે, જેની અંદર વીડિયો અને ઓડિયોના માધ્યમથી કેદીઓ સહેલાઈથી કોઈપણ અભ્યાસક્રમને સમજી શકશે. 16 લાખના ખર્ચે આ સ્માર્ટ શાળાની શરૂઆત કરવામાં આવી છે. મહાત્મા ગાંધી સ્માર્ટ શાળામાં ભણીને બંદીવાનો જ્યારે સજા ભોગવીને બહાર નીકળશે ત્યારે એક આદર્શ જીવન જીવી શકે તેવો પ્રયાસ છે.
સેન્ટ્રલ લાજપોર જેલના અધિક્ષક જે. એન. દેસાઈએ જણાવ્યું હતું કે, અગાઉ કેદીઓ બેરેકની અંદર ભણતા હતા ત્યારે હવે આ બેરેકને સ્માર્ટ સ્કૂલમાં ટ્રાન્સફોર્મ કરવામાં આવી છે. આ સ્માર્ટ સ્કૂલ કેદીઓને એવું વાતાવરણ આપે છે, જેના થકી તેઓ ભણવા માટે રુચિ ધરાવતા થઈ જશે. 130થી પણ વધુ કેદીઓ ભણી રહ્યા છે. ધોરણ-10 અને 12 સિવાય કોઈ ડિગ્રી કોર્સ કરવો હોય તો અમે કેદીઓને માટે ઓપન યુનિવર્સિટી અને વીર નર્મદ યુનિવર્સિટી સાથે પણ વ્યવસ્થા કરી રહ્યા છે. અહીં સ્માર્ટ બોર્ડ, ડિજિટલ ટેકનોલોજીથી સજ્જ ક્લાસ છે. બંદીવાનોને ભણાવનાર શિક્ષકો પણ બંદીવાન છે. તેઓ આ શાળાનું સંચાલન કરશે.