કેન્દ્ર અને રાજ્ય સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં: કોંગ્રેસ
અમદાવાદ, 18 ડિસેમ્બર, 2025: Gujarat farmers કેન્દ્ર અને રાજ્ય સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મૂકાયા મુશ્કેલીમાં મૂકાયા છે તેઓ આક્ષેપ આજે કોંગ્રેસે કર્યો છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ આ અંગે જણાવ્યું હતું કે, ખેડૂતોના પ્રશ્ને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે સંકલનનો અભાવ છે.
સંસદમાં રજુ થયેલા તથા વાસ્તવિક આંકડાને આધારે ભાજપ સરકારની નીતિ ખેડૂત, ખેતી અને ગામડા વિરોધી છે તેમ જણાવી કોંગ્રેસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ૧-૪-૨૦૨૫થી ૩-૧૨-૨૦૨૫ સુધીના કમોસમી વરસાદથી થયેલા નુકસાનની વિગતો કેન્દ્ર સરકારે સંસદમાં શૂન્ય બતાવી છે, જેથી કેન્દ્રીય સ્તરે વધારાની સહાય મળી શકે તેવી તક પણ ગુમાવી દીધી છે. તેમણે પ્રશ્ન કર્યો કે, એનો અર્થ ગુજરાતની ભાજપ સરકારે ગુજરાતમાં કમોસમી વરસાદથી થયેલા ભારે નુકસાનની વિગતો કેન્દ્ર સરકારને જણાવી નથી કે શું?
ગુજરાતમાં ભારે કમોસમી બિનહિસાબી વરસાદે ખેડૂતોના તૈયાર પાકો, મગફળી, કપાસ, જીરું, ડાંગર વગેરેનો વ્યાપક નાશ થયો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. દિવાળીના બીજા દિવસે ગુજરાતી નવા વર્ષની શરૂઆત થાય છે અને તે જ સમયે ખેડૂતો ચોમાસુ પાકની કાપણી શરૂ કરે છે, પરંતુ આ વર્ષે સતત વરસાદને કારણે તૈયાર પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. પાક તૈયાર થાય ત્યાં સુધી ખેડૂતોએ મોટા ખર્ચા કર્યા હોય છે, અને કુદરતી આફતથી તેઓ બરબાદ થઈ ગયા છે.
ભાજપ સરકારની નીતિઓને કારણે ખેતીના ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે, જેનાથી ગુજરાતના ખેડૂતો અત્યંત કફોડી સ્થિતિમાં મૂકાયા છે. વર્ષ ૨૦૨૨માં ખેતીની આવક બમણી કરવાની વાતો કરનાર મોદી સરકારમાં ખેતીનો ખર્ચ બમણો થયો અને આવક અડધી થઈ ગઈ છે.
ગુજરાતમાં કોંગ્રેસની જનઆક્રોશ યાત્રાનો બીજો ભાગ 20 ડિસેમ્બરથી: અમિત ચાવડાએ શું કહ્યું? જુઓ VIDEO
ગુજરાતના ૫૬ લાખ ખેડૂતો પર આશરે ૧.૬૨ લાખ કરોડ જેટલું દેવું છે બીજી બાજુ ભાજપ સરકારના અત્યાચારી નિર્ણયોને કારણે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY) વર્ષ ૨૦૨૦ થી બહાર નીકળી ગયા છે. આના કારણે એક પણ ખેડૂતને વીમાનો લાભ મળ્યો નથી અને એક પણ રૂપિયાનું વળતર મળ્યું નથી.
રાજ્ય સરકારે જાહેર કરેલું રૂ. ૧૦,૦૦૦ કરોડનું રાહત પેકેજ નજીવું અને મશ્કરી સમાન છે. તેમાં મર્યાદિત વિસ્તારોને જ આવરી લેવામાં આવ્યા છે, હેક્ટરદીઠ રૂ. ૨૨,૦૦૦ (મહત્તમ ૨ હેક્ટર સુધી)ની સહાય છે, અને અનેક શરતોને કારણે ખેડૂતોને પૂર્ણ ન્યાય નથી મળી રહ્યો તેમ કોંગ્રેસ નેતાએ કહ્યું હતું.
કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જીન સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય કરે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના તાત્કાલિક અમલમાં મૂકવા માટે રાજ્ય સાથે ચર્ચા કરીને તેને પુનઃશરૂ કરવામાં આવે, જેથી આવનારી ઋતુઓમાં ખેડૂતો સુરક્ષિત રહે.
આ વખતની કમોસમી વરસાદની આપદાથી પ્રભાવિત ગુજરાતના ખેડૂતોને વધારાનું કેન્દ્રીય સ્તરે પૂર્ણ વળતર અને સહાય પૂરી પાડવામાં આવે, જેથી તેમનું સંપૂર્ણ નુકસાન ભરપાઈ થઈ શકે અને વધુ આત્મહત્યાઓ અટકે. આ મુદ્દો ખેડૂતોના જીવન-મરણનો છે, તેથી તાત્કાલિક હસ્તક્ષેપ જરૂરી છે.


