અમદાવાદ, 3 જાન્યુઆરી 2026: ગુજરાતમાં ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસન પ્રોવિન્સ (ISKP) ના મોડ્યુલ દ્વારા આચરવામાં આવનાર ભયાનક આતંકી કાવતરાના કેસમાં હવે કેન્દ્રીય તપાસ એજન્સી NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) એ વિધિવત રીતે તપાસનો દોર સંભાળી લીધો છે. નવેમ્બર 2025 માં ગુજરાત એટીએસ (ATS) દ્વારા ઝડપાયેલા ત્રણ આતંકીઓના મનસૂબા એટલા ખતરનાક હતા કે જાણીને સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે. આ આતંકીઓ ખોરાક કે પાણીમાં અત્યંત ઘાતક ઝેર ભેળવીને ‘બાયોલોજિકલ એટેક’ કરવાની ફિરાકમાં હતા.
ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરાયેલા ત્રણ આતંકીઓ ડો. અહેમદ સૈયદ, આઝાદ સુલેમાન અને સુહૈલ પાસેથી તપાસ દરમિયાન માત્ર હથિયારો જ નહીં, પરંતુ અત્યંત ઝેરી તત્વ ‘રાઈઝિન’ પણ મળી આવ્યું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે, આ ત્રણેય આતંકીઓ વિદેશી હેન્ડલર અબુ ખદીજાના સીધા સંપર્કમાં હતા. તેઓ આ ઝેરને પીવાના પાણી અથવા જાહેર ભોજનમાં ભેળવીને હજારો નિર્દોષ નાગરિકોને મોતના ઘાટ ઉતારવાનું આયોજન કરી રહ્યા હતા.
આ કેસની ગંભીરતા, આંતરરાષ્ટ્રીય કનેક્શન અને બાયોલોજિકલ વોરફેરના જોખમને જોતા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ તપાસ NIA ના અમદાવાદ યુનિટને સોંપવાનો આદેશ આપ્યો છે. એજન્સી હવે વિવિધ પાસાઓ પર તપાસ કેન્દ્રિત કરશે. ગુજરાત સહિત દેશના અન્ય કયા રાજ્યોમાં આ મોડ્યુલના સ્લીપર સેલ સક્રિય છે? વિદેશી હેન્ડલર અબુ ખદીજા આ આતંકીઓને નાણાકીય સહાય કેવી રીતે પહોંચાડતો હતો? અને આતંકીઓએ આટલું જટિલ અને ઘાતક ઝેર મેળવવા કે બનાવવાની તાલીમ ક્યાંથી મેળવી? સહિતની દિશામાં તપાસ કરવામાં આવશે.
તમામ આરોપીઓ વિરુદ્ધ અગાઉથી જ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. એટીએસ પાસેથી કેસની ફાઈલો લીધા બાદ હવે NIA આતંકીઓના આંતરરાષ્ટ્રીય સંપર્કો અને આઈટી પુરાવાઓની ઝીણવટભરી તપાસ કરશે. રાઈઝિન એ દિવેલા (Castor beans) માંથી મળતું અત્યંત ઝેરી પ્રોટીન છે. જો તેનો પાવડર કે પ્રવાહી તરીકે ઉપયોગ કરવામાં આવે, તો તે માનવ શરીરના કોષોને પ્રોટીન બનાવતા રોકી દે છે, જેના પરિણામે અત્યંત ટૂંકા ગાળામાં વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે. તેની કોઈ ચોક્કસ એન્ટિડોટ (રસી) ઉપલબ્ધ ન હોવાથી તેને જૈવિક હથિયાર માનવામાં આવે છે.


