
ગુજરાત લોજિસ્ટિક્સ ઈન્ડેક્સમાં દેશમાં મોખરે, કાર્ગો હેન્ડલિંગમાં 39 ટકાનું મહત્વનું યોગદાનઃ CM
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્લોબલ મેરિટાઈમ ઈન્ડિયા સમિટ-2023ના સમાપન અવસરે સ્પષ્ટપણે જણાવ્યું કે, વિશ્વભરના ઈન્ડસ્ટ્રી લિડર્સ, પોલિસીમેકર્સ અને તજજ્ઞોના સામુહિક વિચારમંથનથી આ સમિટે મેરિટાઈમ સેક્ટરના પોટેન્શિયલને વિશાળ ફલક પર ઉજાગર કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ઈકોનોમી એડવાન્સમેન્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ક્ષેત્રે સફળતાપૂર્વક આગળ વધીને ભારતને વૈશ્વિક સ્તરે આર્થિક સત્તાઓમાં સ્થાન અપાવવામાં મેરિટાઈમ સેક્ટર મહત્વપૂર્ણ પ્રદાન કરનારું સેક્ટર બન્યું છે, તેનો તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભારત સરકારના પોર્ટ, શિપિંગ એન્ડ વોટરવેયઝ મંત્રાલયના ઉપક્રમે મુંબઈમાં આયોજિત ત્રીજી ગ્લોબલ મેરિટાઈમ ઈન્ડિયા સમિટ-2023ના સમાપન સત્રમાં સંબોધન કરી રહ્યા હતા.
ભારત સરકારના પોર્ટ, શિપિંગ એન્ડ વોટરવેયઝ મંત્રી સર્બાનંદ સોનોવાલ, વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ તથા કેદ્રિય રાજ્યમંત્રી, શ્રીપાદ નાઈક, શાંતનુ ઠાકુર, ડો. મહેન્દ્ર મુંજપરા ઉપરાંત મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્ર સરકારના પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના વરિષ્ઠ સચિવો આ સમિટના સમાપન અવસરે ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમૃતકાળ વિઝન-2047 આપ્યું છે, તેને સસ્ટેઈનેબલ અને પ્રોસ્પરસ બ્લ્યુ ઈકોનોમીથી સાકાર કરવા ગુજરાત સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.
મેરિટાઈમ સેક્ટરના સસ્ટેઈનેબલ ગ્રોથ માટે ઈન્વેસ્ટમેન્ટ અને ઈનોવેશનનું પ્રોત્સાહક વાતાવરણ ગુજરાત પૂરું પાડવા સજ્જ છે, એમ પણ શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ વડાપ્રધાનની પ્રેરણાથી ગુજરાતમાં નિર્માણ થયેલા ગિફ્ટ સિટીમાં શિપ લિઝિંગ સર્વિસીસ માટે આપવામાં આવતા પ્રોત્સાહનોનો લાભ લઈ પોતાના કારોબાર શરૂ કરવા ગ્લોબલ શિપિંગ ઉદ્યોગ સંચાલકોને અનુરોધ કર્યો હતો. તેમણે આગામી જાન્યુઆરી-2024માં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સહભાગી થવા પણ શિપિંગ અને મેરિટાઈમ સેક્ટરના અગ્રણીઓને આમંત્રણ પાઠવ્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ સમિટ ગુજરાતના મેરિટાઈમ સેક્ટરમાં રહેલા પોટેન્શિયલને પણ વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવામાં ઉપયુક્ત બની છે. 1600 કિલોમીટર લાંબો સમુદ્રકિનારો ધરાવતું ગુજરાત એક મેજર અને 48 નોન મેજર પોર્ટ્સ દ્વારા દેશના કાર્ગો હેન્ડલિંગમાં 39 ટકાનું યોગદાન આપતું રાજ્ય છે. એટલું જ નહીં, લોજિસ્ટિક્સ ઈન્ડેક્સમાં પણ ગુજરાત અગ્રેસર છે અને અલંગ શિપ બ્રેકિંગ ફેસેલિટીના પરિણામે દેશને શિપ રિસાઈકલિંગમાં વિશ્વમાં બીજા નંબરનું સ્થાન મળ્યું છે. ગુજરાતના પુરાતન બંદરગાહ લોથલનો ભવ્ય ઈતિહાસ પ્રસ્તુત કરતા “નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ”ની વિશેષતાઓ પણ તેમણે સમિટમાં ઉપસ્થિત સૌ સમક્ષ રજૂ કરી હતી. ગુજરાત મેરિટાઈમ બોર્ડના ચેરમેન એસ.એસ. રાઠૌર તથા વાઈસ ચેરમેન અને એમ.ડી. રાજકુમાર બેનીવાલ પણ આ સમિટમાં જોડાયા હતા.