
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના શહેરોને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથે મોસ્ટ લિવેબલ બનાવવાની નેમ વ્યક્ત કરી છે. વડોદરા શહેરને રૂ.722 કરોડના વિકાસ કામોની સોગાદ આપતા તેમણે જણાવ્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શહેરી વિકાસનો જે પાયો નાખ્યો છે, તેના ઉપર ગુજરાત તેજ ગતિથી પ્રગતિ કરી રહ્યું છે. રાજ્યમાં જ્યાં માનવી, ત્યાં સુવિધાઓ આપવામાં આવી છે.
મુખ્યંત્રીએ જણાવ્યું કે, શહેરોને માત્ર પ્રાથમિક સુવિધાના વિકાસ કામો પૂરતા સીમિત ન રહેવા દેતાં ગુજરાતમાં સ્માર્ટ, સસ્ટેનેબલ, લીવેબલ માળખાકીય સુવિધાઓ આપી ઈઝ ઓફ લિવિંગમાં વધારો કરવામાં આવ્યો છે. દેશને વર્ષ 2047 સુધીમાં વિકસિત બનાવવા વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે શહેરોને સ્માર્ટ, સસ્ટેનેબલ અને લિવેબલ શહેરો સાથે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર રહેશે, તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વડોદરા મહાનગરપાલિકા દ્વારા રૂ.540ના ખર્ચે નિર્માણ થયેલા 18 વિકાસ કામોના લોકાર્પણ તેમજ રૂ. 182 કરોડના ખર્ચે નિર્માણ થનારા 50 વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત સહિત કુલ રૂ. 722 કરોડના જનસુવિધા અને જનસુખાકારીના 68 પ્રકલ્પોની ભેટ શહેરીજનોને આપી હતી. ઘનકચરાના એકત્રીકરણ માટેના વાહનોને પણ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યા હતા.
વિકાસની ગતિ શું હોય, પ્રગતિ શું હોય તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશ અને દુનિયાને બતાવ્યું છે, તેમ જણાવતાં મુખ્યંત્રીએ ઉમેર્યું કે, સુરતમાં ડાયમંડ બુર્સ અને આંતરાષ્ટ્રીય ટર્મિનલ તેના ઉદાહરણો છે. વડાપ્રધાનએ સ્થાપિત કરેલ માપદંડોની પરિપાટીએ સરકાર કામ કરી રહી છે.
મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં જણાવ્યું કે, રાજ્ય સરકારનું એક પણ અઠવાડિયું એવું નહીં હોય કે જેમાં વિકાસકામોના લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં ન આવ્યા હોય.અમે જે કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરીએ છીએ, તેનું ઉદ્દઘાટન પણ અમે જ કરીએ છીએ તેવી કાર્ય સંસ્કૃતિ વિકસાવી છે. ભૂતકાળમાં તો વિકાસ કામોના ખાતમુહૂર્ત થવા બાદ દાયકાઓ સુધી પૂરા થતા નહોતા. ગમે તેમ કરી વિકાસ કામો અટકાવી, લટકાવી અને રવાડે ચઢાવી દેવામાં આવતા હતા. ગુજરાત રોજગારી સર્જન અને ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર છે, તેનું ચાલકબળ વાયબ્રન્ટ ગુજરાત છે, તેમ જણાવતાં તેમણે કહ્યું કે, હાલના વડાપ્રધાને શરૂ કરેલી વાયબ્રન્ટ ગુજરાતની શ્રુંખલાને કારણે ગુજરાત રોકાણકારો માટે પ્રથમ પસંદગીનું રાજ્ય બન્યું છે.
વડોદરા શહેરને છેલ્લા છ માસના ટૂંકા સમયગાળામાં રૂ.1072 કરોડના વિકાસકામોની ભેટ મળી છે, તેની ભૂમિકા પણ મુખ્યમંત્રીએ આપી હતી અને જણાવ્યું કે, આ વડાપ્રધાનની વિકાસની રાજનીતિની ગેરેન્ટી છે. વડોદરાને વિકાસની ભૂખ છે, હવે આ કામો ગુણવત્તાયુક્ત થાય એની તકેદારી રાખવી પડશે, તેમ પણ તેમણે કહ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી આપણે આગામી તા. 25 ડિસેમ્બરના રોજ ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન શ્રદ્ધેય અટલ બિહારી બાજપેયીના જન્મ દિવસને સુશાસન દિવસ તરીકે ઉજવીએ છીએ. ભારતભરના શહેરો સ્માર્ટ, ગ્રિન અને મોર્ડર્ન સિટી બનવા આગેકૂચ કરી રહ્યા છે. આપણે રાજ્યમાં આયોજનબદ્ધ રીતે શહેરી વિકાસ કરી મોસ્ટ લિવેબલ સિટી બનાવી રહ્યા છીએ. તે સુશાસન દર્શાવે છે. ઇ-ચાર્જીંગ સ્ટેશન બાબતે પટેલે જણાવ્યું કે, વડોદરા શહેરે વડાપ્રધાનના ઇમોબિલીટીના સંકલ્પને સાકાર કર્યો છે.
મેયર શ્રીમતી પિંકીબેન સોનીએ જણાવ્યું કે, ડબલ એંજીનની સરકારમાં ગુજરાત રાજ્ય વિકાસના પંથે આગવું સ્થાન પ્રાપ્ત કરી મોડેલ સ્ટેટ તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યું છે. એક સમયે વાપીથી વડોદરા સુધીના માર્ગમાં ધુમાડા કાઢતા વાહનો અને રસ્તા બિસ્માર હતા, આજે તેની સામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનના કારણે થયેલો વિકાસ ઉડીને આંખે વળગે છે. તેમણે વડોદરામાં આજે લોકર્પિત અને ખાતમુહૂર્ત થયેલા કામોથી વિકાસને નવો વેગ મળશે, તેની ભૂમિકા તેમણે આપી હતી.