
નવી દિલ્હીઃ ઉત્તરાખંડના હલ્દવાનીના બનભુલપુરામાં ગેરકાયદે રીતે ઉભુ કરાયેલુ ધાર્મિક સ્થળ તંત્ર દ્વારા દુર કરવાની કાર્યવાહી દરમિયાન મામલો બિચક્યો હતો. તેમજ તોફાની ટોળાએ પથ્થરમારો કરતા તંગદીલી ફેલાઈ હતી. પોલીસ દ્વારા બળપ્રયોગ કરીને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કરાયો હતો. સુરક્ષાના કારણોસર સમગ્ર શહેરને પોલીસ છાવણીમાં ફેલવી દેવામાં આવ્યું છે અને ઈન્ટરનેટ સેવાને પણ બંધ કરી દેવામાં આવી છે. પથ્થરમારામાં 6 વ્યક્તિઓના મોત થયાનું જાણવા મળે છે. જ્યારે 250 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા.
હલ્દવાનીમાં થયેલી અહિંસાને પગલે મુખ્યમંત્રી પુષ્કર ધામીએ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. જેમાં મુખ્ય સચિવ, પોલીસ મહાનિર્દેશક, પોલીસ અને ઈન્ટેલિજેન્સના અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. સીએમ ધામીએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર બનભુલપુરામાં તોફાનીઓની ઓળખ કરીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કલેક્ટર દ્વારા સમગ્ર ઘટના ઉપર નજર રાખવામાં આવી રહી છે, સમગ્ર વિસ્તારમાં કર્ફ્યુ નાખવામાં આવ્યો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર બનભુલપુરા નજીક મલિકના બગીચામાં ગેરકાયદે મદરેસા અને નમાજ સ્થળને તોડવાની કામગીરી દરમિયાન પરિસ્થિતિ તંગ બની હતી. તોફાનીઓએ વહીવટી તંત્ર અને પોલીસ અધિકારી-કર્મચારીઓ ઉપર ભારે પથ્થરમારો કરતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવમાં અનેક પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયાં હતા. તોફાનીઓએ વાહનોને આગ ચાંપી હતી. પરિસ્થિતિ કાબુની બહાર થયા પોલીસે ગોળીબાર કર્યો હતો. હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.