
હમાસ પોતે પેલેસ્ટિનિયન બાળકોના લોહીનું તરસ્યુ, સંસ્થાના સ્થાપકના પુત્રનો ચોંકાવનારો ઘટસ્ફોટ
નવી દિલ્હીઃ ઈઝરાયલ અને આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે છેલ્લા 27 દિવસથી સતત યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન આતંકવાદી સંગઠન હમાસના સંસ્થાપક શેખ હસન યુસુફના પુત્ર મોસાબ હસન યુસુફે એક ચોંકાવનારો ઘટસ્ફોટ કરતા કહ્યું છે કે, હમાસ પોતે પેલેસ્ટિનિયન બાળકોના લોહીનું તરસ્યું છે. એક બ્રિટિશ પત્રકારને આપેલા ઈન્ટરવ્યુમાં મોસાબે કહ્યું કે હમાસ પૈસા માટે બાળકોને મારી નાખે છે.
ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ મોસાબની એક વિડિયો ક્લિપ ટ્વિટર પર શેર કરી છે, જેમાં તે કહે છે કે હમાસ પોતાની સત્તા લાલસા અને રાજકીય મહત્વકાંક્ષાને સંતોષવા માટે લાંબા સમયથી ગાઝાના લોકો ઉપર અત્યાચાર કરી રહ્યું છે. હમાસના કારણે જ તેમને ઈઝરાયેલની ઘેરાબંધી, હિંસા અને યુદ્ધ સહન કરવું પડ્યું છે. હમાસ માટે યુદ્ધ એક રમત જેવું છે. જ્યારે પણ હમાસને પૈસાની જરૂર પડે છે, ત્યારે તે યુદ્ધ શરૂ કરે છે.
અગાઉ ગાઝાની એક હોસ્પિટલમાં વિસ્ફોટ બાદ યુસુફે કહ્યું હતું કે, તે હમાસનું મિસફાયર હતું, જેના કારણે હોસ્પિટલમાં હાજર સેંકડો લોકો માર્યા ગયા હતા. મોસાબનું કહેવું છે કે, હુમલા માટે ઈઝરાયેલને દોષી ઠેરવવામાં આવ્યો હતો. ઇઝરાયેલની સેના લોકશાહી રીતે ચૂંટાયેલી સરકારને જવાબદાર છે, તે આ કરી શકતી નથી. જ્યારે, હમાસ પર કોઈનું નિયંત્રણ નથી. બે મિનિટના વીડિયોના અંતે મોસાબ કહે છે કે, કમનસીબે, હમાસે હવે ઈઝરાયેલ અને દુનિયા સામે કોઈ વિકલ્પ છોડ્યો નથી. હવે એકમાત્ર વિકલ્પ હમાસનો નાશ કરવાનો છે.