
જેરૂસલેમઃ ઇઝરાયેલ અને પેલેસ્ટાઈનના આતંકી સંગઠન હમામસ વચ્ચે લોહિયાળ જંગ ચાલી રહ્યો છે. તેલ અવીવ અને જેરુસલેમ પર લાંબા અંતરના રોકેટ છોડવામાં આવ્યા હતા. આ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રાલયે મોટો દાવો કર્યો છે. ઈરાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે- જો ઇઝરાયેલ ગાઝા પટ્ટી પર એરસ્ટ્રાઈક રોકી દેશે તો હમાસ બંધક બનાવેલા લગભગ 200 લોકોને છોડવા માટે તૈયાર છે. જો કે ઈરાનના આ નિવેદન પર આતંકી સંગઠન હમાસ દ્વારા કોઈ જ પુષ્ટિ કરાઈ નથી.
ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નાસરિ કનાનીએ દાવો કરતા કહ્યું કે- હમાસ તે તમામ ઇઝરાયેલી નાગરિકોને છોડવા માટે તૈયાર છે જેમણે યુદ્ધ દરમિયાન બંધક બનાવવામાં આવ્યા છે. જો કે મુશ્કેલી એ છે કે હમાસ બંધક બનાવેલા લોકોને છોડવા માટેનું જરુરી પગલું ત્યારે જ ઉઠાવશે, જો ઇઝરાયેલ દ્વારા ગાઝાના અલગ-અલગ વિસ્તારોમાં ફેંકાતા બોમ્બમારાને અટકાવવામાં આવે તો હમાસ બંધક બનાવેલા લગભગ 200 લોકોને છોડવા માટે તૈયાર છે.
નાસિર કનાનીએ હમાસનો ઉલ્લેખ કરતા એમ પણ કહ્યું કે- હમાસને આ યુદ્ધ યથાવત રાખવામાં કોઈ મુશ્કેલી નથી. તેમની પાસે ઇઝરાયેલનો સામનો કરવા માટે પર્યાપ્ત સૈન્ય ક્ષમતા છે. બીજી બાજુ ઈરાને ઇઝરાયેલને ચેતવણી આપતા કહ્યું કે- જો આવનારા દિવસોમાં તેમના દ્વારા ગાઝામાં સતત આવી જ હિંસક પ્રવૃત્તિઓ યથાવત રહેશે તો ઈરાન પણ યુદ્ધમાં કૂદી પડશે.
ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે કહ્યું છે કે 199 લોકો હમાસની કેદમાં છે. ગાઝામાં બંધકોને રાખવામાં આવ્યા છે. અહીં, ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે, લેબનોનમાં વધુ એક મોરચો ખુલ્યો છે. ઇઝરાયલે કહ્યું છે કે લેબનોન બોર્ડર પર 2 કિલોમીટર દૂર સુધીનો વિસ્તાર પણ ખાલી કરાવવામાં આવશે. દરમિયાન ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નાસિર કનાનીએ આ વચ્ચે અમેરિકા પર જોરદાર પ્રહાર કર્યા હતા. નાસિર કનાનીએ આ યુદ્ધની પાછળ અમેરિકાનો હાથ હોવાનું જણાવ્યું હતું. નાસિર કનાનીએ કહ્યું કે- પેલેસ્ટાઈન વિરુદ્ધ ઇઝરાયેલને અમેરિકાનું સંપૂર્ણપણે સમર્થન છે. યુદ્ધ ક્ષેત્રમાં પોતાની સૈન્ય ટુકડી મોકલવાનો અર્થ સ્પષ્ટ છે કે અમેરિકા જુલ્મ સહન કરનારાઓની સાથે નહીં પરંતુ જુલ્મ કરનારાઓની સાથે છે.
ઈઝરાયેલ સેનાના પ્રવક્તાએ કહ્યું કે- બંધક નાગરિકોનો સુરક્ષિત છુટકારો જ અમારી સર્વોચ્ચ રાષ્ટ્રીય પ્રાથમિકતા છે. અમે સતત બંધક બનાવવામાં આવેલા લોકો અંગે જાણકારી મેળવી રહ્યાં છીએ, સાથે જ તે તમામના પરિવારોની સાથે પણ સંપર્કમાં છીએ. સેનાના પ્રવક્તાએ વધુમાં કહ્યું કે- IDF અને ઇઝરાયેલની સરકાર બંધકોને પરત દેશ લાવવા માટે 24 કલાક કામ કરી રહી છે અને અમે તેમના છુટકારા માટે કંઈ પણ કરવા માટે તૈયાર છીએ.