
મોરબીઃ શહેર- જિલ્લાના સિરામિક ઉદ્યોગનો હાલ કપરો સમય ચાલી રહ્યો છે. કોરોનાના પ્રથમ કાળથી સિરામિક ઉદ્યોગની માઠી દશા બેઠી હતી. આજે પણ સિરામિક ઉદ્યોગ પર મંદીના વાદળો છવાયા છે. મહિને એક હજાર કરોડની નિકાસ કરતો સિરામિક ઉદ્યોગ છેલ્લા છ મહિનામાં અનેક વખત ગેસના ભાવ વધારાના કારણે મુશ્કેલીમાં મુકાયો છે. ત્યારે હવે નવી મુસીબતે માથું ઊંચક્યું છે. શિપિંગ ભાડામાં પણ વધારો આવતા સિરામિક ઉદ્યોગને ટકવું મુશ્કેલ બન્યું છે. સતત વધી રહેલા ગેસના ભાવ વધારા બાદ શિપિંગ ભાડામાં વધારો સિરામિક ઉદ્યોગ માટે મરણતોલ સાબિત થઈ શકે છે.
મોરબીમાંથી ટાઇલ્સ ની નિકાસ કરવી હાલ ધીમે ધીમે મોંઘી થતી જાય છે. દરિયાઈ માર્ગે થતી નિકાસમાં છેલ્લા બે વર્ષમાં ભાડામાં ઘણો મોટો ઉછાળો આવ્યો છે. બે વર્ષ પહેલા શીપીંગ ચાર્જ 400 થી 500 ડોલર થતી તે હાલમાં એક કન્ટેનર નું ભાડું 3000 ડોલર જેટલું થઇ ગયું છે. એટલે કે, બે વર્ષ પહેલા થતા ભાડાની સરખામણીમાં હાલમાં છ ગણો વધારો થઇ ગયો છે જેની સીધી અસર ટાઈલ્સ ના ભાવ પર પડે છે અને નિકાસ ઘટવા લાગે છે. શીપીંગ ભાડામાં 600 ટકાનો અસહ્ય વધારો થઇ ગયો છે. ટાઈલ્સના ભાવમાં ચાર પાંચ ટકાનો ભાવ વધારો છે. બીજીબાજુ ચીન દ્વારા વિદેશોમાં સસ્તાભાવે નિકાસ થતી હોવાથી મોરબીમાં ઉત્પાદિત સિરામિકનો માલ પણ મોંધો પડી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ મોરબીનો સિરામિક ઉદ્યોગ ચાઈના, ઇટલી અને સ્પેન જેવા દેશો સામે ટક્કર મારી આગળ વધી નિકાસ વધારી રહ્યો હતો ત્યારે શીપીંગ ભાડા વધારા એ એમાં બ્રેક મારી છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં ટકવા માટે મોરબી સિરામિક એસોસીએશન દ્વારા માંગ કરવામાં આવી છે કે ટ્રાન્સપોર્ટેશનમાં સરકાર કોઈ સ્કીમ લઈને આવે અથવા લોજીસ્ટીક માટે કોઈ રસ્તો બતાવે જેથી મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ બચી શકે. છેલ્લા છ મહિના માં ફયુલ અને ટ્રાન્સપોર્ટ ના ભાવમાં આવેલો વધારો અને ત્યાર બાદ દરિયાઈ માર્ગે થતા ટ્રાન્સપોર્ટમાં પણ ભાવ વધારો આવતા સિરામિક ઉદ્યોગનો કપરો કાળ શરૂ થયો હતો. હવે શીપીંગ ભાડામાં પણ 400-500 ડોલરની સામે 3000 ડોલરથી પણ વધારે થઇ જતા નિકાસમાં ઘટાડો થઈ રહ્યો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, મોરબીમાં અંદાજીત એક હજાર જેટલી સિરામિક ની ફેકટરીઓ આવેલી છે અને રાત દિવસ ધમધમી રહી છે. વાહનોના ભાડા વધારા, મુખ્ય બળતણ તરીકે વાપરતા નેચરલ ગેસ ના ભાવમાં તોતિંગ વધારો અને છેલ્લે શીપીંગ ચાર્જ માં વધારાએ સિરામિક ઉદ્યોગકારોની પરેશાની વધારી દીધી છે. હાલમાં વીસથી પચીસ ટકા જેટલી સિરામિક ફેકટરીઓ માંડ માંડ ચાલી રહી છે અથવા ચલાવવી પડી રહી છે તેવી સ્થિતિ છે. જો આવનારા દિવસોમાં શીપીંગ ભાડા અંગે તેમજ નેચરલ ગેસના ભાવમાં ઘટાડો નહિ કરવામાં આવે તો ના છુટકે મોરબીના સિરામિક કારખાનેદારો અન્ય વિકલ્પ તરફ વળે તો પણ નવાઈ નહિ.