1. Home
  2. ગુજરાતી
  3. ઉત્તરભારતમાં હીટવેવઃ બંગાળમાં રેડ અને બિહાર-ઝારખંડમાં ઓરેન્જ એલર્ટ અપાયું
ઉત્તરભારતમાં હીટવેવઃ બંગાળમાં રેડ અને બિહાર-ઝારખંડમાં ઓરેન્જ એલર્ટ અપાયું

ઉત્તરભારતમાં હીટવેવઃ બંગાળમાં રેડ અને બિહાર-ઝારખંડમાં ઓરેન્જ એલર્ટ અપાયું

0
Social Share

નવી દિલ્હીઃ દેશભરમાં વધતી જતી ગરમી અને હીટવેવના કારણે જનજીવનને અસર થઈ છે. તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી વધુ સુધી પહોંચી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં હીટવેવને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે બિહાર અને ઝારખંડ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ગરમીનું મોજું આગામી ઘણા દિવસો સુધી ચાલુ રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગરમ અને ભેજવાળા હવામાનને કારણે બંગાળ અને ઓડિશામાં મહત્તમ તાપમાનમાં વધારો થવાની સંભાવના છે. સાથે જ ગરમીના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. વધતી જતી ગરમી અને હીટવેવ અંગે ભારતીય હવામાન વિભાગ (IMD)ના વરિષ્ઠ વૈજ્ઞાનિક સોમા સેન રોયે જણાવ્યું હતું કે, ‘ઓડિશા પણ ગરમીના મોજાને કારણે ખરાબ સ્થિતિનો સામનો કરી રહ્યું છે. આવી જ સ્થિતિ કેટલાક દિવસો સુધી અહીં રહેવાની શક્યતા છે. તેથી રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચ્યું છે. પશ્ચિમ બર્ધમાન જિલ્લામાં આવેલા પનાગઢમાં મહત્તમ તાપમાન 44.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે કોલકાતામાં દિવસનું મહત્તમ તાપમાન 41.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. એટલું જ નહીં, મેદિનીપુરમાં 43.5, બાંકુરામાં 43.2, બેરકપુરમાં 43.2, બર્ધમાનમાં 43, આસનસોલમાં 42.5, પુરુલિયામાં 42.7 અને શ્રીનિકેતનમાં 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

ઓડિશાના ઔદ્યોગિક શહેર અંગુલમાં 44.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જ્યારે રાજ્યની રાજધાની ભુવનેશ્વરમાં 44.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે આ સિઝનમાં પ્રથમ વખત 44 ડિગ્રીને વટાવી ગયું છે. આ ઉપરાંત, બારીપાડામાં મહત્તમ તાપમાન 44.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે બૌધ, ઢેંકનાલ અને ભવાનીપટનામાં મહત્તમ તાપમાન 43.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં ધીમે ધીમે એકથી બે ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની અને આગામી બે દિવસ સુધી કોઈ મોટો ફેરફાર નહીં થવાની આગાહી કરી છે. શુક્રવારે વરસાદ બાદ દિલ્હી-એનસીઆરના લોકોને આકરી ગરમીમાંથી થોડી રાહત મળી છે. શનિવારે રાજધાનીમાં મહત્તમ તાપમાન 40.5 ડિગ્રી સેલ્સિયસથી ઘટીને 38 ડિગ્રી નોંધાયું હતું. IMDએ સપ્તાહના અંતે આંશિક વાદળછાયું આકાશ રહેવાની આગાહી કરી છે. જોકે, સોમવાર સુધીમાં મહત્તમ તાપમાન ફરી 40 ડિગ્રીને પાર કરી જશે.

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, દિલ્હીની હવાની ગુણવત્તામાં થોડો સુધારો થયો છે અને તેનો હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 163 પર નોંધાયો છે જેને ‘મધ્યમ’ શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે. હવામાન વિભાગે પૂર્વ ઉત્તર પ્રદેશ અને ઉત્તરીય ભાગો માટે ‘યલો એલર્ટ’ જાહેર કર્યું છે. અહીં પણ ગરમીના કારણે લોકો પરેશાન થઈ શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code