
હેમચંદ્રાચાર્ય ઉ.ગુ યુનિવર્સિટી દ્વારા સ્નાતક, અનુસ્નાતકમાં હવે ઓફલાઈન પ્રવેશનો કરાયો પ્રારંભ
પાટણઃ ગુજરાતમાં તમામ સરકારી યુનિવર્સિટીઓમાં આ વર્ષે જીકાસ પોર્ટ દ્વારા ઓનલાઈન પ્રવેશ પ્રકિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રવેશને અંતે ઘણીબધી બેઠકો ખાલી રહેતા આખરે તમામ યુનિવર્સિટીઓએ ખાલી રહેલી બેઠકો પર ઓફલાઈન પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જેમાં પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સ્નાતક અને અનુસ્નાતકમાં ખાલી બેઠકો પર તારીખ 25.7.24 સુધી જે કોલેજોમાં ઓફલાઈન પ્રવેશ અપાશે.
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રજીસ્ટારએ જણાવ્યું હતું કે, યુનિ સંલગ્ન ઉત્તર ગુજરાતમાં આવેલી પાંચ જિલ્લાની કોલેજમાં પ્રવેશ માટે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી .જેમાં અત્યાર સુધીમાં સ્નાતક સેમેસ્ટર એકમાં પ્રવેશ માટે બે રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરીને 45713 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જ્યારે અનુસ્નાતક અભ્યાસક્રમોમાં બે રાઉન્ડના અંતે 16312 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. ત્યારે ચાલુ વર્ષે હાથ ધરવામાં આવેલી ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાના બે રાઉન્ડ બાદ પણ અનેક કોલેજોમાં વિદ્યાર્થીઓની બેઠકો ખાલી રહેવાના કારણે તેમજ અનેક વિદ્યાર્થીઓ આ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાના કારણે પ્રવેશથી વંચિત રહી ગયા હોવાથી વિદ્યાર્થી સંગઠનો દ્વારા પણ વિદ્યાર્થીઓને પ્રવેશની તક મળે તે માટે રજૂઆતો કરી હતી. ત્યારે હવે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ ની સૂચનાથી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોમાં બાકી રહી ગયેલી બેઠકો ઉપર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે ઑફલાઈન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવા માટે કોલેજો અને વિભાગોને સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ તારીખ 25.7.24 સુધી જે કોલેજોમાં ઓફલાઈન પ્રવેશ મેળવી શકશે . કોલેજો દ્વારા વિદ્યાર્થીઓ પાસે 300 પ્રવેશ ફોર્મ ફી સ્વીકારવામાં આવશે જે ફ્રી કોલેજો યુનિવર્સિટીમાં જમા કરાવશે અને ત્યારબાદ યુનિવર્સિટી જીકાસમાં તે ફ્રી જમા કરાવશે તેમ જણાવ્યું હતું.