
સુરતઃ રાજ્યના પુરવઠા નિગમના ગોદામોમાં અનાજનો જથ્થો સડી જવા છતાંયે કોઈ પગલાં લેવામાં આવતા નથી. સડેલુ અનાજ સસ્તા અનાજની દુકાનોને તેમજ આંગણવાડી અને મધ્યાંહ્નન યોજનાને વિતરણ કરવામાં આવતુ હોવાથી સડેલા અનાજની ફરિયાદો પણ ઊઠતી હોય છે. ત્યારે સુરતના સચિન વિસ્તારમાં સરકારી અનાજના ગોદામમાં રખાયેલા અનાજના જથ્થામાં ધનેડા અને જીવાંતો આસપાસના રહેણાંકના વિસ્તારોમાં ફેલાતા સ્થાનિક લોકોએ ભારે વિરોધ કર્યો હતો.
સુરત શહેરના સચિન વિસ્તારમાં શહેરનું સૌથી મોટું સરકારી અનાજનું ગોડાઉન આવેલું છે. સરકાર દ્વારા આંગણવાડી, સસ્તા અનાજની દુકાનોમાં પહોંચાડવાનો જથ્થો પ્રથમ આ ગોડાઉનમાં ઠાલવવામાં આવે છે. એ બાદ અહીંથી વિતરણ કરી આંગણવાડી અને સસ્તા અનાજની દુકાનોમાં નિયમ મુજબનો જથ્થો આપવામાં આવે છે. ધનેડાં સહિતની જીવાતોથી ખદબદતું પોષણક્ષમ અનાજ બાળકો અને ગરીબ લોકોને આપવામાં આવે છે. અનાજના ગોદામમાં સ્ટોક કરાયેલા અનાજમાં પુષ્કળ પ્રમાણમાં ધનેડાં અને જીવાંતો થતાં તે આજુબાજુના રહેણાકી વિસ્તારમાં ફેલાતા ત્રાહિમામ્ પોકારી ઊઠેલા આસપાસની સોસાયટીના લોકોએ હલ્લાબોલ સાથે ગોડાઉન પર રેડ કરી હતી, જ્યાં અનાજમાં જીવાતો સાથે ગંદકી પણ જોવા મળી હતી. લોકોએ ભારે રોષ સાથે જણાવ્યું હતું કે અહીંથી જીવાતો ઊડીને અમારા ઘરમાં આવે છે. કપડાં અને જમવા બેસીએ તો થાળીમાં પણ એ આંટા મારતી હોય છે.
સુરત શહેરના સચિન વિસ્તારમાં અનાજ ગોડાઉન પર અચાનક જ સ્થાનિકોએ ભારે રોષ સાથે હલ્લાબોલ કર્યો હતો. મોટી સંખ્યામાં મહિલાઓ સચિન રેલવે સ્ટેશન પાસેના સરકારી અનાજના ગોડાઉન પર પહોંચી ગઈ હતી. ગોડાઉનમાંથી નીકળતી જીવાત સ્થાનિક લોકોના ઘરમાં આવી જાય છે. આ જીવાત સમગ્ર ઘરમાં પ્રસરી જતાં લોકો પરેશાન થઈ રહ્યા છે. ઘરનાં વાસણ, કપડાં, એટલું જ નહીં ખાવામાં પણ જીવાત મળી રહ્યાનું જણાવ્યું હતું. આ અંગે સ્થાનિકો અનેક વખત સરકારી અનાજના ગોડાઉન સંચાલકને ફરિયાદ પણ કરી ચૂક્યા છે, પરંતુ યોગ્ય નિકાલ ન આવતાં આજે ગોડાઉન પર રેડ કરી હતી.