1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. 18 વર્ષથી વધુ ઉંમરના લોકોના નવા આધારકાર્ડ માટે હવે હોમ વેરિફિકેશન ફરજિયાત
18 વર્ષથી વધુ ઉંમરના લોકોના નવા આધારકાર્ડ માટે હવે હોમ વેરિફિકેશન ફરજિયાત

18 વર્ષથી વધુ ઉંમરના લોકોના નવા આધારકાર્ડ માટે હવે હોમ વેરિફિકેશન ફરજિયાત

0

ગાંધીનગરઃ ગુજરાત સહિત દેશભરમાં હાલના સમયે આધારકાર્ડ મહત્ત્વનું ડોક્યુમેન્ટ બની ગયું છે. સરકારી યોજના હોય કે બેંકોનું કામ હોય મોટાભાગની સેવાઓને આધાર સાથે લિંક કરી દેવાયું છે. આ સ્થિતિમાં મોટી સંખ્યામાં બોગસ આધાર કાર્ડ નીકળ્યા હોવાની ફરિયાદ બાદ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા(UIDAI) દ્વારા વધુ એક સુધારો કરી 18 વર્ષથી વધુ ઉંમરના નવા આધારાકાર્ડની અરજી પર હોમ વેરિફિકેશન ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આ નવો નિયમ દેશભરમાં લાગુ કરવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આધાર સેન્ટરો પર 18 વર્ષથી ઉપરના નવા આધારકાર્ડની અરજીઓ UIDAI પાસે પહોંચે છે. આ વિગતો જે-તે રાજ્યમાં જિલ્લા લેવલે સંબંધિત અધિકારીઓને મોકલવા આવે છે. જેમાં કોઈ એજન્સી મારફતે નહીં પરંતુ સરકારી કર્મચારીઓ પાસેથી જ હોમ વેરિફિકેશન શરૂ કરવામાં આવ્યું છે. અંદાજે 45 દિવસના સમયગાળામાં હોમ વિઝિટ લઈને જરૂરી દસ્તાવેજોની ચકાસણી સહિતની કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે.આ સમગ્ર પ્રક્રિયામાં તાલુકા લેવલે મામલતદાર પાસે આધારની અરજી પહોંચ્યા બાદ મામલતદાર દ્વારા રેવન્યૂ તલાટી મારફતે તેનું હોમ વેરિફેકિશન કરાવવામાં આવે છે. જેમાં માહિતીની ખરાઈના આધારે પોઝિટિવ-નેગેટિવ રિપોર્ટ આપવામાં આવે છે, જેના આધારે આગળની પ્રોસેસ કરવામાં આવે છે.

ગાંધીનગર તાલુકામાં મામલતદાર કચેરી મારફતે નવા આધારકાર્ડ માટેની 40થી વધુ અરજીઓમાં હોમ વેરિફિકેશન કરવામાં આવ્યા છે. UIDAI દ્વારા નિમયો વધુને વધુ કડક કરાયા છે, જેમાં અગાઉ આધારકાર્ડ માટે આપવાના થતાં ડોક્યુમેન્ટમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે આ સાથે આધારમાં સુધારા માટે નિયમમાં કરાયેલા ફેરફાર મુજબ અસલ પુરાવા ફરજિયાત કરાયા છે. હોમ વેરિફિકેશન સહિતના કડક નિયમો લાવવા પાછળનો હેતુ બોગસ આધારકાર્ડ બનતા અટકાવવાનો છે. કેટલાક રાજ્યમાં આધારકાર્ડ વધુ જનરેટ થયા છે. ગુજરાતમાં 6.84 કરોડથી વધુ આધારકાર્ડ જે વસ્તીના અંદાજ સામે 6 ટકા વધુ છે. તેમાં પણ રાજ્યના 22 જિલ્લામાં અંદાજિત વસ્તી સામે આધારકાર્ડ વધુ છે, સૌથી વધુ ડાંગ જિલ્લામાં આધારકાર્ડ જનરેટ થયેલા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.