
પાટીદાર આંદોલનથી હાર્દિક પટેલે કેટલા કરોડની સંપત્તિ બનાવી? પાસ’ના નેતાએ કર્યા આક્ષેપ,
સુરતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષોના નેતાઓ વચ્ચે આક્ષેપો પ્રતિઆક્ષેપો થતાં હોય છે. ત્યારે એક સમયના પાટિદાર આંદોલન સમિતિ એટલે કે પાસના હીરો ગણાતા હાર્દિક પટેલ વાયા કોંગ્રેસ થઈને ભાજપમાં પ્રવેશ કર્યો છે. અને હાર્દિક પટેલ વિરમગામથી ભાજપના ઉમેદવાર છે. ત્યારે પાટીદાર અનામત આંદોલનના એક સમયના જૂના જોગીએ હાર્દિક પટેલ પર મોટા આક્ષેપ કરીને ખળભળાટ મચાવી દીધો છે. પાસના સભ્ય નિલેશ એરવાડીયાએ જણાવ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલન સમિતિમાંથી ઘણા લોકો ભાજપ સામે લડી રહ્યા છે. ભાજપ સામે અપક્ષ કે કોંગ્રેસમાં લડતા તમામ લોકોને પાસનો ખુલ્લો ટેકો છે. પરંતુ હજુ એવા ઘણા પરિવારો છે, જેમને હજું સુધી ન્યાય નથી મળ્યો, સરકારો બદલાઈ પણ માંગણીઓ પૂર્ણ નથી થઈ. પાસમાંથી ભાજપમાં ગયેલા હાર્દિક પટેલ EBC પણ અપાવી શક્યો નથી. લાખો યુવાનોએ કરેલી મહેનતના લીધે મળી છે. હાર્દિક પટેલે પાટીદાર સમાજને ગુમરાહ કરીને જે ઓબીસીની મુખ્ય માગણી હતી એની જગ્યાએ 10% ઈબીસીનું લોલીપોપ પકડાવીને પોતે આ અપાવ્યું હોવાની વાત કરે છે, જે ખોટી છે.
નિલેશ એરવાડીયાએ વધુમાં જણાવ્યું હતું કે, હાર્દિક પટેલે કરોડો રૂપિયાની સંપત્તિ બનાવી છે. પાટીદાર સમાજ હવે હાર્દિક પટેલનો ખુલ્લેઆમ વિરોધ કરશે. વિરમગામમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના યુવાનો અને પાટીદાર સમાજના યુવાનો હાર્દિક પટેલનો વિરોધ કરશે. આંદોલન વખતે લાખો પાટીદાર યુવાનો રોડ પર ઊતર્યા હતા અને તેમની સામે કેસ થયા હતા. આજે પણ અનેક યુવાનો કોર્ટ કચેરીના ધક્કા ખાય છે. પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો હાર્દિક પટેલ હતો. પરંતુ આજે હાર્દિક પટેલે 250 કરોડની સંપત્તિ બનાવી છે, ફક્ત તે સ્વાર્થી છે. પરંતુ હવે વિધાનસભાની ચૂંટણીમાં પાસના કાર્યકરો વિરમગામમાં જઈને હાર્દિકનો વિરોધ થશે. પાસ અને પાટીદાર સમાજ હાર્દિક પટેલનો વિરોધ કરશે.
તેમણે ઉમેર્યું હતું કે, ભાજપની સામે માંગણીઓ હતી અને તેનો જ વિરોધ કરીએ છીએ. પાસમાંથી ઘણા લોકો બીજા પક્ષમાં ગયા છે, લોકો માટે આવા ક્રાંતિકારીઓ કામ કરશે અવાજ ઉઠાવશે. પરંતુ હાર્દિક પટેલે જ્યારે ભાજપમાં જોડાવાની વાત કરી હતી ત્યારે તેણે જણાવ્યું હતું કે, બે મહિનામાં 14 પાટીદાર યુવાનોને ન્યાય અપાવીશ. સરકારી કે અર્ધસરકારી નોકરી અપાવીશ, પરંતુ તેણે એકપણ કામ કર્યું નથી.