
ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં ભાજપ 150 બેઠકોનો ટાર્ગેટ કેવી રીતે પુરો કરશે?
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સવાથી દોઢ વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે સત્તાધારી ભાજપે જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણી જીતવા માટેનો લક્ષ હંમેશા ઉંચો રાખવામાં આવતો હોય છે. તેમ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટિલે તો તમામ 182 બેઠકો પર જીતનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. જ્યારે ભાજપે 150 બેઠકોનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. ભાજપે વધુ બેઠકો જીતવા માટે માઈક્રો પ્લાનિંગ કર્યું છે. જેમાં જે બુથ પર ભાજપને ઓછા મત મળે છે તેવા બુથ પર વધુ ધ્યાન આપવાનું આયોજન કર્યું છે. પ્રથમવાર ભાજપે એવું નક્કી કયુ છે કે માઇનસ બુથ પર વધારે પ્રભાવથી કામ કરવું, એટલે કે ભાજપે 2017માં જે બેઠક ગુમાવી છે તે પાછી મેળવવા માટે માઇક્રોપ્લાનિંગ શરૂ કયુ છે. પાર્ટીના પ્રદેશ તેમજ જિલ્લા એકમોને આદેશ કરી દેવામાં આવ્યા છે કે આપણે જે બેઠકો ગુમાવી છે તે 2022ની ચૂંટણીમાં જીતવી પડશે. જો આ બેઠકો મેળવી શકીશું તો 150 પ્લસ બેઠકો જીતવાનો ટારગેટ પૂર્ણ કરી શકાશે.
પ્રદેશ ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે, 2017ની જેમ 2022ની ચૂંટણીમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચહેરો હશે. તેમના નામે બેઠકો જીતવાનો પ્રયાસ કરાશે. આ ચૂંટણી વિજય રૂપાણીના નેતૃત્વમાં લડાવાની છે અને સીઆર પાટીલ માટે આ એક પહેલી ચૂંટણી છે કે જેમાં તેમણે તેમનો પાવર બતાવવાનો છે. સીઆર પાટીલે તો ગુજરાતમાં વિધાનસભાની તમામ 182 બેઠકો જીતવાનો દાવો કર્યેા છે, પરંતુ ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ બેઠકો જીતવાનો રેકોર્ડ માધવસિંહ સોલંકીના નામે છે. નરેન્દ્ર મોદી પણ આ રેકોર્ડ તોડી શકયા નથી. પાટીલના હવાઇ કિલ્લા સામે પ્રદેશના ટોચના નેતાઓએ 150 બેઠકોનો ટારગેટ રાખ્યો છે. આ માટે હારેલી બેઠક પર જીતવા માટે જે કોઇ સ્ટેટેજી અપનાવવી પડે તે અપનાવવા તેઓ તૈયાર છે. માઇનસ બુથનું માઇક્રોપ્લાનિંગ, નરેન્દ્ર મોદીનો ચહેરો અને ચૂંટણી જીતી શકે તેવા કોંગ્રેસના હાલના ધારાસભ્યોને ભાજપમાં પ્રવેશ આપવો એ ત્રણ પાંખની મદદથી ભાજપ ચૂંટણી જીતવા માગે છે. પાર્ટીના આ ત્રિપાંખિયા વ્યૂહમાં ઉમેદવારોની પસંદગી પણ મહત્વ ધરાવે છે.
વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભલામણથી ઉમેદવાર નહીં પણ માત્ર જીતી શકે તેવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવા પાર્ટીએ સ્ટેટેજી બનાવી છે. આવા ઉમેદવારો શોધવા માટે પાર્ટીએ કોંગ્રેસ તરફ નજર દોડાવવી પડશે, કેમ કે કોંગ્રેસને ૨૦૧૭માં જે ૭૭ બેઠકો મળી હતી તે બેઠકો ભાજપ મેળવવાનો અથાગ પ્રયાસ કરશે અને તેના માટે કોંગ્રેસના શકિતશાળી ધારાસભ્યોને ભાજપમાં પ્રવેશ કરાવી ટીકીટ આપશે.
ભાજપના સૂત્રોએ કહ્યું હતું કે, પ્રદેશ પ્રમુખે સ્પષ્ટ્ર કયુ છે કે, ભાજપને સ્થાનિક સ્વરાજ્યની મીની વિધાનસભા જેવી ચૂંટણીમાં પેજ કમિટી, પેજ પ્રમુખના આયામના ધાર્યા પરિણામ મળ્યા છે. હાલ પાર્ટી પાસે 60 લાખથી વધુ પેજ પ્રમુખની યાદી તૈયાર છે. હજી 20 લાખ પેજ પ્રમુખ બનાવવામાં આવશે અને તેમનો ચૂંટણીના કાર્યમાં ઉપયોગ કરાશે. આ ચૂંટણીમાં ભાજપને કોઇપણ ભોગે 150 થી વધારે બેઠકો જોઇએ છે તેથી બમણી તાકાતથી વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો સામનો કરવાની તૈયારી અત્યારથી જ શરૂ કરી દીધી છે. આ વખતે આ ત્રણેય પાર્ટીઓ વચ્ચે ખરાખરીનો જગં ખેલાશે