વડોદરાઃ રાજ્યના પ્રવાસીઓ માટે ફેવરિટ સ્થળ બનેલા કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીને નિહાળવા દિવાળીના તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. ગુજરાતીઓ રજાના દિવસોમાં ફરવાના શોખીન હોવાથી બીજા રાજ્યોમાં જવાને બદલે પોતાના જ વતનમાં પ્રવાસની મજા માણી રહ્યા છે. દિવાળી વેકેશનને લઈને કેવડિયામાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. છેલ્લા 4 દિવસમાં દોઢ લાખ લોકોએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી અને હજી પણ પ્રવાસીઓનો ધસારો યથાવત છે.
કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરાંત એકતા નર્સરી, બટરફ્લાય ગાર્ડન, બોટિંગ સહિત 21 જેટલા સ્થળો આવેલા છે. કેવડિયામાં માત્ર દેશનાં જ નહીં પણ વિદેશી પ્રવાસીઓ પણ હવે સરદાર વલ્લભભાઈ પટેલનાં 182 મીટરનાં સ્ટેચ્યૂને જોવા માટે અચૂક આવી રહ્યાં છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ગુજરાત જ નહીં, બલકે દેશ-વિદેશના પર્યટકો માટે જોવાલાયક સ્થળ બની ગયું છે, ત્યારે કેવડિયાની આસપાસ અલગ-અલગ જોવાલાયક અને માણવા લાયક 21થી વધુ પ્રોજેક્ટો આવેલા છે. ગુજરાતનું સૌથી મોટું પ્રવાસન સ્થળ બની ગયેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટી દિવાળી સહિતના તહેવારોમાં પરિવાર સાથે ફરવા લાયક ડેસ્ટિનેશન બન્યું છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આ વર્ષે રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ પહોંચ્યા છે અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓની ભીડ થતાં ખાનગી બસો બોલાવવામાં આવી છે અને પોલીસ બંદોબસ્ત પણ વધારી દેવામાં આવ્યો છે.
કેવડિયા નજીક વિશ્વ વન ઊભુ કરવામાં આવ્યું છે. જેમાં તમામ સાત ખંડની ઔષધિ વનસ્પતિ, છોડ તથા વૃક્ષો છે, જે વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં વિવિધતામાં એક્તાની ભાવનાને સાકાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ જંગલનું નિર્માણ એ રીતે કરવામાં આવ્યું છે કે મુલાકાતીને જે-તે ઝોનના કુદરતી જંગલની જ અનુભૂતિ થાય છે. ઉપરાંત બટરફ્લાય ગાર્ડન બનાવવામાં આવ્યું છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે મુલાકાતીઓ કુદરતની સુંદર અને રંગબેરંગી રચનાને જોઈ શકે, માણી શકે એ માટે ખૂબ જ વિચારપૂર્વક આ બટરફ્લાય ગાર્ડનનું નિર્માણ કરાયું છે. 6 એકરમાં ફેલાયેલા આ વિશાળ ઉદ્યાનમાં 45 જાતિના છોડ અને 38 પ્રજાતિનાં પતંગિયાં જોવા મળે છે. (file photo)