બનાસકાંઠાના માર્કેટયાર્ડમાં રાજગરાની જંગી આવક, અમેરિકા સહિત 11 દેશમાં ભારે ડિમાન્ડ
અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં દર વર્ષે બટાકા,જીરૂ અને કપાસ સહિતના પાકનું બમ્પર ઉત્પાદન થાય છે. ઘઉં, ચોખા સહિતના અનાજની સાથે રાજગરાનું પણ જંગી ઉત્પાદન થાય છે. બનાસકાંઠામાં અન્ય ધાન્યની સાથે રાજગરાનું પણ બમ્પર ઉત્પાદન થાય છે. એટલું જ નહીં આ રાજગરાની ડિમાન્ડ માત્ર ભારતમાં જ નહીં અમેરિકા સહિતના 11 દેશોમાં ભારે ડિમાન્ડ છે. ડિસા માર્કેટયાર્ડમાં રાજગરાની જંગી આવક થઈ રહી છે. બીજી તરફ ખેડૂતોને પણ પોતાના પાકનું યોગ્ય વળતર મળતું હોવાથી જગતનો તાત પણ વધારેમાં વધારે ઉત્પાદન કરવા તરફ વળી રહ્યાં છે.
બનાસકાંઠા જિલ્લાનું ડીસા માર્કેટ યાર્ડમાં રાજગરાની બમ્પર આવકના કારણે હાઉસ ફુલ છે. હાલમાં અહીં રાજગરાની રોજે અંદાજીત 1100થી 1200 બોરીની આવક થઈ રહી છે અને ખેડૂતોને પણ મણના 1500થી 1600 રૂપિયા ભાવ મળી રહ્યા છે. સારો ભાવ મળતા ખેડૂતો પણ ઘણા ખુશી જોવા મળી રહી છે. ડીસામાં થતા રાજગરાની ડિમાન્ડ માત્ર ગુજરાત કે ભારત જ નહીં પરંતુ વિશ્વના 10 જેટલા દેશમાં રહે છે. ડીસામાં થતો રાજગરો તેની ગુણવત્તાના કારણે ભારે ડિમાંડમાં રહે છે અને અહીં થતા રાજગરાનો સફેદ કલર અને દાણો પણ મોટો હોવાના કારણે તેની માંગ સતત વધી રહી છે. આ સાથે જ ડીસાની જમીનમાં પાકતા રાજગરામાં પ્રોટીનનું પ્રમાણ પણ વધુ હોવાથી તેની માંગ વધી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં મોટા ભાગના રવિપાક હવે તૈયાર થઈ ગયો છે અને નવી જણસની માર્કેટ યાર્ડમાં આવક થઈ રહી છે. મોટી સંખ્યામાં ખેડૂતો અહીં રાજગરો વેચવા માટે આવી રહ્યા છે સાથે જ ખેડૂતોને સારા ભાવ પણ મળી રહ્યા છે.