1. Home
  2. ગુજરાતી
  3. આંધ્રપ્રદેશના IAS અધિકારીનું ઉદાહરણરૂપ પગલું, માત્ર 18 હજાર રૂપિયામાં કરશે પુત્રના લગ્ન!
આંધ્રપ્રદેશના IAS અધિકારીનું ઉદાહરણરૂપ પગલું, માત્ર 18 હજાર રૂપિયામાં કરશે પુત્રના લગ્ન!

આંધ્રપ્રદેશના IAS અધિકારીનું ઉદાહરણરૂપ પગલું, માત્ર 18 હજાર રૂપિયામાં કરશે પુત્રના લગ્ન!

0
Social Share

લગ્નોમાં માતબાર ખર્ચાઓ કરવામાં ભારતના સામાન્ય લોકોથી માંડીને ધનકુબેરો સુધીના કોઈ બાકાત નથી. જ્યાં પરિવાર લગ્ન સમારંભોમાં માતબાર ખર્ચા કરે છે, ત્યારે આંધ્રપ્રદેશમાં એક આઈએએસ અધિકારીએ સમાજ માટે એક ઉદાહરણ પુરું પાડતું કામ કર્યું છે.

વિશાખાપટ્ટનમ મહાનગર રીઝિયન ડેવલોપમેન્ટ ઓથોરિટી એટલે કે વીએમઆરડીએમાં કમિશનર પટનાલા વસંત કુમારે દશમી ફેબ્રુઆરીએ વિશાખાપટ્ટનમમાં યોજાનારા તેમના પુત્રના લગ્નમાં માત્ર 18 હજાર રૂપિયોનો મામૂલી ગણી શકાય તેટેલો જ ખર્ચ કરવાના છે.

આઈએએસ અધિકારી પટનાલા વસંત કુમાર તેમના પુત્રના લગ્ન ખૂબ સદાઈથી કરવાના છે. આ લગ્ન સમારંભમાં નવવધૂ અને વરરાજાના પરિવારજનો કુલ મળીને પોતપોતાના તરફથી માત્ર અઢાર-અઢાર હજાર રૂપિયાનો ખર્ચ કરશે. જેમાં મહેમાનોને બપોરના ભોજનનો ખર્ચ પણ સામેલ છે.

પટનાલા વસંતકુમાર પોતાના પુત્રના લગ્ન દશમી ફેબ્રુઆરીએ કરવાના છે. તેમના પુત્ર અભિનવ બેંકમાં મેનેજર છે અને તેમના થનારા પૂત્રવધૂ લાવણ્યા વ્યવસાયે ડોક્ટર છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, આઈએએસએ કહ્યુ છે કે આ તેમના સહયોગીઓ, રાધાસ્વામી સત્સંગ સભાના સદસ્યો અને અન્ય લોકોના સહયોગથી જ શક્ય બન્યું છે.

પટનાલા વસંતકુમારે કહ્યુ છે કે રાધાસ્વામી સત્સંગના અનુયાયી હોવાને કારણે તેઓ પુત્રના લગ્નમાં 18 હજારથી વધારે રકમ ખર્ચ કરી શકે તેમ નથી. લગ્નમાં વર અને વધૂ બંનેના પરિવાર અઢાર હજાર રૂપિયા પ્રત્યેક વહન કરશે, જેમાં અતિથિઓના બપોરનું ભોજન પણ સામેલ છે. બંને પક્ષોના મળીને 100થી વધારે મહેમાનો નથી. ભોજન પર પણ તેઓ 15થી 20 રૂપિયા પ્રતિ પ્લેટ ખર્ચ કરશે. પૂજારીને પણ એક હજાર રૂપિયા આપશે.

આંધ્રપ્રદેશ અને તેલંગાણાના રાજ્યપાલ ઈએસએલ નરસિમ્હન શુક્રવારે આયોજીત થનારા આ સાદા સમારંભમાં નવપરણિત યુગલને આશિર્વાદ પણ આપવાના છે.

આઈએએસ વસંત કુમારે 2017માં પોતાની પુત્રીના લગ્ન પણ ખૂબ જ સદાઈથી કર્યા હતા અને તેમાં ત્યારે તેમણે માત્ર 16100 રૂપિયાનો ખર્ચ જ કર્યો હતો. આઈએએસ વસંતકુમાર પોતાની પુત્રી અને પુત્રના લગ્ન જ ઓછા ખર્ચે સાદાઈથી નથી કરી રહ્યા, તેમના ખુદના લગ્ન પણ બેહદ સાદાઈથી થયા હતા. આઈએએસ વસંતકુમારે પોતાના લગ્નમાં પણ અઢી હજાર રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

વસંત કુમારને 2012માં આઈએએસ કેડરમાં પદોન્નત કરવામાં આવ્યા હતા. આ પહેલા તેઓ ગવર્નર નરસિમ્હનના ઓએસડી અને સંયુક્ત સચિવના પદ પર કાર્યરત હતા.

REAL VOICE OF INDIA

ભારતમાં લગ્ન એક સંસ્કાર

ભારતીય જીવનપદ્ધતિમાં જીવનથી માંડીને મૃત્યુ સુધીના 16 સંસ્કારો છે. આ સોળ સંસ્કારોમાં ગૃહાસ્થાશ્રમ પ્રવેશનો એક સંસ્કાર એટલે લગ્ન. લગ્ન સંસ્કાર છે અને તેને સમાજીક સ્તરે દેખાડાની વસ્તુ બનાવવી આમ તો સદીઓથી એક સિરસ્તો બની ગયો છે. પરંતુ લગ્નજીવનની શરૂઆત કરતા યુગલને તેના પરિવારજનો અને ઘનિષ્ઠતા ધરાવતા લોકો આશિર્વાદ અને શુભકામના સાથે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશના સાક્ષી બને તે જરૂરી છે. આવા લગ્ન સમારંભોને પોતાની ધનાઢયતાનું સામાજીક પ્રદર્શન કરવાનું માધ્યમ બનાવી શકાય નહીં. પરંતુ આમ છતાં આવું સામાજીક પ્રદર્શન લગ્ન સમારંભોમાં થાય છે. જેને કારણે અતિસામાન્ય વર્ગના લોકો પણ દેવું કરીને પણ લગ્ન સમારંભોમાં આવું પ્રદર્શન કરવાથી ચુકતા નથી. તેને કારણે લગ્ન એક સંસ્કાર રહેતો નથી અને દેખાડો બની જાય છે. આંધ્રપ્રદેશના આઈએએસ દ્વારા પોતના પુત્રના લગ્ન અઢાર હજાર રૂપિયામાં અને 2017માં પુત્રીના લગ્ન માત્ર 16100 રૂપિયામાં કરીને ખરેખર ભારતીય જીવનપદ્ધતિને અનુલક્ષીને લગ્ન સંસ્કાર પાછળ વણાયેલી ભાવનાને ચરિતાર્થ કરીને સમાજ માટે ઉદાહરણ પુરું પાડવાની એક મોટી કોશિશ થઈ છે. બને કે લગ્ન સમારંભોને ધનાઢયતા કે સંપન્નતાનું સામાજીક પ્રદર્શન બનાવવાના સ્થાને તેને સંસ્કાર તરીકેના ગૌરવ સાથે સ્થાપિત કરીને ખોટા અને માતબાર ખર્ચા કરવાનો સિરસ્તો સમાજ બદલે અને આના સંદર્ભે એક સામાજીક પરિવર્તન આણવા માટે લોકો સંકલ્પબદ્ધ બને.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code