1. Home
  2. પાર્ટી અટલ-અડવાણીની ન હતી અને હાલ નરેન્દ્ર મોદી-અમિત શાહની નથી, ભાજપમાં વિચારધારા મહત્વપૂર્ણ : ગડકરી

પાર્ટી અટલ-અડવાણીની ન હતી અને હાલ નરેન્દ્ર મોદી-અમિત શાહની નથી, ભાજપમાં વિચારધારા મહત્વપૂર્ણ : ગડકરી

0
Social Share

ભાજપને વ્યક્તિ કેન્દ્રીત પાર્ટી બનાવવાની ધારણાને નામંજૂર કરતા કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યુ છે કે ભાજપ વિચારધારા આધારીત પાર્ટી છે. તેમણે કહ્યુ છે કે આ પાર્ટી ન તો ક્યારેય અટલજીની બની, ન તો ક્યારેય અડવાણીની અને ન તો તે ક્યારેય માત્ર અમિત શાહ અથવા નરેન્દ્ર મોદીની પાર્ટી બની શકી છે. ગડકરીએ કહ્યુ છે કે ભાજપ વિચારધારા પર આધારીત પાર્ટી છે અને તે કહેવું ખોટું છે કે ભાજપ મોદી કેન્દ્રીત થઈ ગઈ છે. ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ અધ્યક્ષે લોકસભા ચૂંટણીમાં ખંડિત જનાદેશની આશંકાનું પણ ખંડન કર્યું છે અને દાવો કર્યો છે કે ભાજપને ગત ચૂંટણી કરતા પણ વધુ બેઠકો મળશે.

પોતાના નિવાસસ્થાન પર પીટીઆઈ ભાષાને આપેલા ઈન્ટરવ્યૂમાં ગડકરીએ કહ્યુ છે કે વડાપ્રધાન મોદી અને ભાજપ બંને એકબીજાના પૂરક છે.

આ સવાલના જવાબમાં કે શું ભાજપમાં ઈન્દિરા ઈઝ ઈન્ડિયા એન્ડ ઈન્ડિયા ઈઝ ઈન્દિરાની તર્જ પર મોદી જ ભાજપ અને ભાજપ જ મોદી-વાળી સ્થિતિ બની ગઈ છે, ગડકરીએ કહ્યુ છે કે ભાજપ જેવી પાર્ટી વ્યક્તિ કેન્દ્રીત ક્યારેય બની શકે નહીં. તે વિચારધારા પર આધારીત પાર્ટી છે. અમારી પાર્ટીમાં પરિવારરાજ થઈ શકે નહીં. આ ધારણા ખોટી છે કે ભાજપ મોદી કેન્દ્રીત બની ગઈ છે. પાર્ટીનું સંસદીય દળ છે, જે તમામ મહત્વના નિર્ણયો કરે છે. તેમણે તર્ક આપ્યો કે પાર્ટી અને તેના નેતા એકબીજાના પૂરક છે.

ગડકરીએ કહ્યુ છે કે પાર્ટી ઘણી મજબૂત હોય, પરંતુ નેતા મજબૂત નથી – તો ચૂંટણી જીતી શકાતી નથી. આવા પ્રકારે નેતા કેટલાય પણ મજબૂત હોય, પરંતુ પાર્ટી મજબૂત નહીં થવાને કારણે પણ કામ ચાલવાનું નથી, હા- એ સાચું છે કે જે સૌથી લોકપ્રિય જનનેતા હોય છે, તે સ્વાભાવિકપણે સામે આવે જ છે. ચૂંટણીમાં પોતાની સરકારના કામકાજ અને સિદ્ધિઓના સ્થાને રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય સુરક્ષાને ચૂંટણીનો મુદ્દો બનાવવાના આરોપને ફગાવતા તેમણે કહ્યુ છે કે ચૂંટણીમાં જાતિવાદ અને કોમવાદનું ઝેર ઘોળીને અમારા વિકાસના એજન્ડાને બદલવાની કોશિશ વિરોધીઓએ કરી છે. મને વિશ્વાસ છે કે જનતા વિકાસની સાથે રહેશે અને અમે પૂર્ણ બહુમતી સાથે ફરીથી સરકાર બનાવીશું. મને વિશ્વાસ છે કે જનતા વિકાસની સાથે રહેશે અને અમે પૂર્ણ બહુમતી સાથે ફરીથી સરકાર બનાવીશું.

ગડકરીએ કહ્યુ છે કે જ્યાં સુધી રાષ્ટ્રવાદને મુદ્દો બનાવવાની વાત છે, તો આ અમારા માટે મુદ્દો નથી, આ અમારો આત્મા છે. સારું શાસન-પ્રશાસન અને વિકાસ અમારું મિશન છે અને સમાજમાં શોષિત, પીડિત અને પછાત વર્ગને કેન્દ્રબિંદુ માનીને તેમને રોટી-કપડા-મકાન આપવાનો અમારો ઉદેશ્ય છે. વિપક્ષના એ આરોપો પર કે ભાજપ પાંચ વર્ષની નિષ્ફળતાને છૂપાવવા માટે આવા પ્રકારના ભાવનાત્મક મુદ્દાઓને ઉઠાવી રહ્યું છે, ગડકરીએ કહ્યુ છે કે અમે તેને મુદ્દો ક્યારેય બનાવ્યો નથી. તેમણે કહ્યુ છે કે દરેક ચૂંટણીમાં દેશની સુરક્ષા પર હંમેશા ચર્ચા થઈ છે.

વડાપ્રધાન મોદીના ભાષણોમાં પાકિસ્તાન અને સેનાનો વારંવાર ઉલ્લેખ કરવાની બાબતનો બચાવ કરતા ગડકરીએ કહ્યુ છે કે હકીકતમાં તાજેતરમાં પાકિસ્તાનની આતંકવાદી ગતિવિધિઓનો જવાબ ભારતે આપવો પડયો. આ વિષય જ્યારે સામે આવ્યો તો આંતરીક અને બાહ્ય સુરક્ષા સાથે જોડાયેલા વિષયો પર ચર્ચા થવી સ્વાભાવિક છે. માટે રાષ્ટ્રવાદને અમે મુદ્દો બનાવ્યો નથી. પરંતુ મીડિયાએ બાલાકોટ સૈન્ય કાર્યવાહી પર ઉઠાવેલા સવાલોને ચર્ચામાં લાવીને આને મુદ્દો બનાવવામાં આવ્યો.

પાંચ વર્ષમાં સરકારની સિદ્ધિઓના સવાલ પર ગડકરીએ કહ્યુ છે કે મોદી સરકારે દેશહિતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ, એરપોર્ટ, આંતરદેશીય જળમાર્ગ જેવી મોટી-મોટી યોજનાઓ શરૂ કરી છે. તેના કારણે ઘણા મોટા ફેરફાર જોવા મળ્યા છે. તેની સાથે જ ઉજ્જવલા યોજનાથી લઈને જનધન, મુદ્રા અને આયુષ્યમાન યોજના સુધી અને પાક વીમાથી લઈને પ્રધાનમંત્રી આવાસ યોજના સુધી તમામના ઘણાં સારા પરિણામ જોવા મળ્યા છે.


તેમણે કહ્યુ છે કે મને લાગે છે કે જેટલું કામ 50 વર્ષમાં થયું ન હતું, તે કામ પાંચ વર્ષમા થતું દેખાયું, જનતાએ એક મજબૂત વિકલ્પ તરીકે આ વખતે પણ અમને ચૂંટવાનો નિર્ણય કર્યો છે. એ પુછવામાં આવતા કે સરકારની સિદ્ધિઓના ઉલ્લેખ થવા પર માત્ર તેમના મંત્રાલય- સડક પરિવહન, શિપિંગ અને ગંગાના કામોની જ ચર્ચા થાય છે. તેમણે કહ્યુ કે એવું નથી, તમામ મંત્રાલયોમાં કામ થયું છે. તેમણે કહ્યુ છે કે મને લાભ જરૂર મળ્યો છે, કારણ કે મારા વિભાગોના કામ દેખાય છે. એમ પુછવામાં આતા કે રોજગારમાં તેજીથી આવેલા ઘટાડા અને આર્થિક મંદીની હકીકતથી શું સરકાર ચિંતિત નથી, ગડકરીએ કહ્યુ છે કે એકલા મારા વિભાગમાં 17 લાખ કરોડ રૂપિયાનું કામ થયું છે. આમા 11.5 લાખ કરોડ રૂપિયાનું કામ સડકો સંદર્ભે થયું છે. તેમણે કહ્યુ છે કે દેશના કુલ સિમેન્ટ ઉત્પાદનના 40 ટકા સિમેન્ટ સરકાર ખરીદે છે, તો તેનાથી કયાંકને ક્યાંક રોજગાર તો સૃજિત થાય જ છે. તેમણે દલીલ કરી છે કે તમામ પોર્ટ લાભની સ્થિતિમાં છે અને નેવિગેશનથી કારોબાર શરૂ થવાથી ભાડાની પડતર ઓછી થશે.

ગડકરીએ કહ્યુ છે કે જ્યારે પડતર ઓછી થઈ રહી છે, રોજગાર પેદા થઈ રહ્યા હોય તો મંદીની વાત ક્યા છે. તેમણે એમ પણ કહ્યુ છે કે આના સિવાય વૈશ્વિક મંદીનો પણ તકાજો હોય છે અને આ વૈશ્વિક બજારમાં ઉતાર-ચઢાવ એક સામાન્ય પ્રક્રિયાનું પરિણામ હોય છે. એ પુછવામાં આવતા કે પુલવામા હુમલામાં ગુપ્તચર તંત્રની નિષ્ફળતાને લઈને વ્યાપ્ત ભ્રમની સ્થિતિ હજીપણ યથાવત છે અને શું આના સંદર્ભે કોઈની જવાબદારી નક્કી કરવા માટે સરકારમાં ક્યારેય કોઈ ચર્ચા થઈ છે, ગડકરીએ કહ્યુ છે કે કોઈપણ દેશમાં આતંકવાદી ઘટનાઓને ઈન્ટેલિજન્સ નેટવર્કની નિષ્ફળતાની દ્રષ્ટિએ જોઈ શકાય નહીં. આ લાંબી લડાઈ છે. અમેરિકા, જર્મની અને ફ્રાંસ સહીતના તમામ દેશોમાં આતંકવાદી ઘટનાઓ થઈ છે. તેને ગુપ્તચર તંત્રની નિષ્ફળતા કહેવું સરળ છે.

ગુપ્તચર સંગઠનોમાં પણ દેવીય વ્યવસ્થા નથી, પરંતુ માનવીય વ્યવસ્થા કાયમ છે. માટે મને લાગે છે કે આ ઈન્ટેલિજન્સની નિષ્ફળતાનો મામલો નથી. જ્યાં સુધી સરકારમાં આના પર ચર્ચાનો સવાલ છે, તો આવા મુદ્દા ગુપ્ત હોય છે.

એમ કહેવામાં આવતા કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ભાજપને પડકાર ફેંક્યો છે કે તે નોટબંધી અને જીએસટી જેવા નિર્ણયો પર ચૂંટણી લડવા અને શું તે માને છે કે આ મોટી સિદ્ધિઓ નથી, ગડકરીએ ક્હયુ હતુ કે કાળાધનની સામે જે મોટા નિર્ણયો કરવામાં આવ્યા, નોટબંધી તેમાંથી એક હતો. સચ્ચાઈ એ છે કે આનાથી અર્થવ્યવસ્થામાં પારદર્શકતા આવી છે. વિદેશોમાં નાણાં જમાન કરવાની વાત પણ આનાથી સમાપ્ત થઈ છે.

તેમણે કહ્યુ છે કે જીએસટી પણ સ્વાધિનતા બાદનો સૌથી મોટો આર્થિક સુધારો છે અને નોટબંધીએ કાળા નાણાં પર ગાળિયો કસ્યો છે. કેન્દ્રીય પ્રધાન ગડકરીએ કહ્યુ છે કે અમે અમારા તમામ મુખ્ય નિર્ણયોનો ઉલ્લેખ કરીએ છીએ. કેટલીક નીતિઓ એવી હોય છે કે જેના પરિણામ લાંબા સમય બાદ જોવા મળે છે. આ વિષયો પર જનતા પણ ચર્ચા કરી રહી છે અન જનતાને જ નિર્ણય પણ કરવાનો છે.

એમ કહેવામાં આવતા કે કેટલાક જાણકાર લોકોનું માનવું છે કે ચૂંટણીમાં કોઈપણ પક્ષને પૂર્ણ બહુમતી મળવાની નથી, તો ગડકરીએ કહ્યુ છે કે ભાજપને ગત ચૂંટણીથી વધારે બેઠકો મળશે અને એનડીએના સાથીપક્ષોની બેઠકો પણ વધશે, તેના દમ પર ભાજપ સરકાર બનાવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code