
પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવાશે તો આવનારી પેઢી મા-બાપને આશીર્વાદ આપશેઃ આચાર્ય દેવવ્રત
ગાંધીનગરઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બાયસેગના માધ્યમથી રાજ્યભરના 3,50,000થી વધુ ખેડૂતો, શિક્ષકો, ગામડે-ગામડે તાલીમ આપી રહેલા ખેડૂત માસ્ટર ટ્રેનર્સ, ટેકનિકલ માસ્ટર ટ્રેનર્સ અને આત્મા-કૃષિ વિભાગના કર્મચારીઓ સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કર્યો હતો. તેમણે કહ્યું કે, પ્રાકૃતિક કૃષિ પ્રગતિ, સમૃદ્ધિ, વિકાસ અને ઉન્નતિનો માર્ગ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આત્મનિર્ભર ભારતની સંકલ્પના સાકાર કરવા ખેડૂતે પણ આત્મનિર્ભર બનવું પડશે. પ્રાકૃતિક ખેતી આત્મનિર્ભર ખેતી છે. આ માટે ખેડૂતને રાસાયણિક ખાતરો કે કીટનાશકોની જરૂર નથી. તમામ સંશાધનો ખેડૂતના ઘરમાં જ છે. ખેડૂત અને ખેતી આત્મનિર્ભર થશે તો ભારત આત્મનિર્ભર થશે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, રાસાયણિક ખાતરોના બેફામ ઉપયોગને કારણે ખેડૂતો જાતે પણ ધીમું ઝેર ખાઈ રહ્યા છે અને સમાજને પણ ધીમું ઝેર ખવડાવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી ઝેરમુક્ત ખેતી છે. ઈમાનદારીપૂર્વક પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો આપણું મિશન સફળ થશે ભારતની ભૂમિ શસ્યશ્યામલામ્ બનશે. પર્યાવરણ બચશે અને પરમાત્માના આશીર્વાદ મળશે.
ગુજરાતના ગ્રામીણ વિસ્તારના શિક્ષકોને; જેઓ શિક્ષણની સાથોસાથ ખેતી સાથે પણ જોડાયેલા છે, એમને વિશેષ આગ્રહ કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષકો પ્રેરણાસ્ત્રોત બને. જે શિક્ષકો ખેતી પણ કરે છે તે અવશ્ય પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે. શિક્ષકો સમાજમાં મોટું પરિવર્તન લાવી શકે છે. સમાજના અન્ય લોકો શિક્ષકોનું અનુસરણ કરીને પ્રાકૃતિક ખેતી કરતા થશે.
સજીવ ખેતી, સેન્દ્રીય ખેતી, જૈવિક ખેતી જેવા વિવિધ નામે ઓળખાતી ઑર્ગેનિક ખેતી સફળ ખેતી પદ્ધતિ નથી, તેનાથી ખેડૂતોનું ઉત્પાદન ખર્ચ ઓછું નથી થયું, મહેનત ઓછી નથી થઈ કે આવક પણ વધી નથી. એટલું જ નહીં, પર્યાવરણને નુકસાન થયું છે. એમ કહીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, રાસાયણિક ખેતી અને જૈવિક ખેતી કર્યા પછી હું હરિયાણામાં કુરુક્ષેત્રમાં મારા 200 એકરના ખેતરમાં આઠ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. હું સફળતાપૂર્વક તેના લાભો લઈ રહ્યો છું અને પછી જ અન્ય લોકોને કહી રહ્યો છું. જો મને જ ફાયદો ન થયો હોય તો હું અન્ય લોકોને આ માર્ગે આવવા શા માટે અનુરોધ કરું? તેમણે પોતાના અંગત અનુભવો વર્ણવીને ખેડૂતોને-શિક્ષકોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિના મૂળભૂત સિદ્ધાંતો સમજાવ્યા હતા. તેમણે કહ્યું કે, પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવીશું તો આવનારી પેઢી મા-બાપને આશીર્વાદ આપશે. વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે એ માટે રાજ્ય સરકાર ગામડે-ગામડે જઈને ખેડૂતોને તેમના ઘર આંગણે વિનામૂલ્યે તાલીમ આપે છે. યોગ્ય રીતે પદ્ધતિ સમજીને આ ખરીફ મોસમમાં જ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતોને અનુરોધ કર્યો હતો.