
ગુજરાતમાં ગેરકાયદે BT કપાસના બિયારણનો થતો વેપાર, સરકાર કેમ પગલાં લેતી નથીઃ કોંગ્રેસ
અમદાવાદઃ ગુજરાતમા અનઅધિકૃત રીતે BT કપાસ બીજના લાખો પેકેટનુ વેચાણ દર વર્ષે થાય છે અને તેના લાખો ખેડુતોને કરોડો રુપિયાની નુકશાન જાય છે, છતાં રાજય સરકાર આવા અનઅધિકૃત વેપારને અટકાવી શકી નથી ઉપરાંત અનઅધિકૃત બીટી કપાસ બીજ વેચતા ગુનેગાર વેપારી / ઉત્પાદકો પકડાયા છે તેને કાયદા મુજબ સજા કરાવવામા પણ નિષ્ફળ રહી છે. તેમ પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે જણાવ્યું હતુ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી ખરીફ સિઝન માટે અનઅધિકૃત બીટી કપાસ બીજનુ પેકીંગ થઈ રહ્યુ છે. અને બજારમાં પણ આવી રહ્યુ છે, અને રાજ્ય સરકારે બીટી કપાસ બીજના વેપાર માટે ગર્ભિત ચેતવણી પણ આપી નથી. અનઅધિકૃત બીટી કપાસ બીજના ઉત્પાદન પ્લોટ ઉપર દરોડા પણ પાડ્યા નથી, નમુના લેવાયા નથી, ખેડુત વિરોધી રાજ્ય સરકારને કારણે લાખો ખેડુતો આવા અનઅધિકૃત બીટી કપાસ બીજને કારણે આર્થિક પાયમાલ થઈ રહ્યા છે. કોંગ્રેસની માંગ છે કે રાજ્ય સરકાર સરકાર માન્યતા પ્રાપ્ત બીટી કપાસ બીજ વેચાણ કરતી કંપનીઓના નામ અને તેની જાતોના નામની યાદી પ્રસિદ્ધ કરે જેથી રાજ્યના કપાસ પકવતા ખેડુતો અનઅધિકૃત બીજથી આર્થિક બરબાદીથી બચાવી શકાય.
તેમણે ઉમેર્યું હતું કે, આ વર્ષે પણ ગુજરાતમા “બીટી કપાસ બીજનુ અનઅધિકૃત બિયારણનુ ઉત્પાદન અને વેચાણ” મોટા પ્રમાણમા થયુ છે, પરંતુ જો રાજ્ય સરકારને ખેડુતોને આર્થિક નુકશાની અંગે ચિંતા હોય તો અનઅધિકૃત બીટી કપાસ બીજનો એક દાણો ખેડુતોના ખેતર સુધી ન પહોચે તેના “ઓપરેશન બીજ બુટલેગર’ શરુ કરી ખેડુતોને આર્થિક નુકશાનીમાથી બચાવવા જોઇએ.