પીયૂષ ગોયલ અને સાઉદી વાણિજ્ય મંત્રી વચ્ચે મહત્વની બેઠક યોજાઈ
નવી દિલ્હી, 11 એપ્રિલ 2026: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે સાઉદી અરેબિયાના વાણિજ્ય મંત્રી મહામહિમ ડૉ. માજિદ બિન અબ્દુલ્લા અલ કસાબી સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. પશ્ચિમ એશિયામાં બદલાતી ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિ વચ્ચે યોજાયેલી આ બેઠકમાં બંને દેશોએ સપ્લાય ચેઈનની સાતત્યતા જાળવવા અને દ્વિપક્ષીય વેપારને નવી ઊંચાઈએ લઈ જવાનો પુનરોચ્ચાર કર્યો હતો.
બેઠક દરમિયાન ગોયલે આશા વ્યક્ત કરી હતી કે તાજેતરમાં જાહેર કરાયેલ યુદ્ધવિરામ આ પ્રદેશમાં કાયમી શાંતિ અને સુરક્ષા સ્થાપિત કરવા માટે માર્ગ મોકળો કરશે. તેમણે સાઉદી અરેબિયાના લોકોની અદમ્ય ભાવનાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, અસ્થિરતા અને વિક્ષેપો વચ્ચે પણ સાઉદી અરેબિયાએ સપ્લાય ચેઈનની સ્થિતિસ્થાપકતા જાળવી રાખી છે જે કાબિલેદાદ છે.
કેન્દ્રીય મંત્રીએ સંઘર્ષ દરમિયાન સાઉદી અરેબિયામાં થયેલા હુમલાઓની સખત નિંદા કરી હતી. તેમણે ત્યાં વસતા ભારતીય સમુદાયના રક્ષણ માટે સાઉદી સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની હૃદયપૂર્વક પ્રશંસા કરી હતી. બંને મંત્રીઓએ સ્વીકાર્યું હતું કે પ્રાદેશિક સંઘર્ષને કારણે સપ્લાય ચેઈન પર દબાણ આવ્યું છે, પરંતુ સંકલિત પ્રયાસો દ્વારા વેપારનો પ્રવાહ જાળવી રાખી ઝડપી રિકવરી લાવવાની જરૂર છે.
પીયૂષ ગોયલે સાઉદી અરેબિયા અને અખાતી દેશોમાં નિકાસ વધારવા માટે ભારતે લીધેલા પગલાંની વિગતો આપી હતી. આ બેઠકમાં બંને નેતાઓએ ભારત અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ વચ્ચેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ વાટાઘાટોમાં ઝડપી પ્રગતિ થાય તેવી આશા વ્યક્ત કરી હતી. બંને દેશો દ્વિપક્ષીય વેપારને વધુ મજબૂત કરવા અને આર્થિક સહયોગને વધુ ગાઢ બનાવવા સંમત થયા હતા. વેપારમાં આવતા અવરોધોને દૂર કરી ચીજવસ્તુઓની આપ-લે સરળ બનાવવાની પ્રાથમિકતા નક્કી કરવામાં આવી. આ બેઠક ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેના વ્યૂહાત્મક અને આર્થિક સંબંધોમાં એક નવો અધ્યાય ઉમેરશે, જે બંને દેશોના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
(Photo-File)


