
અમદાવાદઃ શહેરમાં એએમસીએ રખડતા ઢોરનો ત્રાસ નિવારવા માટે નવી પોલીસી બનાવી છે. રખડતા ઢોર પકડીને મ્યુનિ.ના ઢોરવાડામાં રાખવામાં આવે છે. મ્યુનિ.ના ઢોરવાડામાં પશુઓની દયનીય હાલત બની હોવાથી માલધારીઓ છેલ્લા કેટલાક સમયથી એએમસી સામે લડત ચલાવી રહ્યા છે. દરમિયાન મ્યુનિ.સંચાલિત દાણીલીંમડામાં પશુઓની ડયનીય હાલતથી નોત નિપજતા હોવાના મામલે રાત્રે માલધારીઓ દાણીલીમડા ઢોરવાડા પાસે એકઠા થયા હતા. અને વાતાવરણ તંગ બને તે પહેલા જ પોલીસ કાફલો દોડી ગયો હતો. અને મામલો થોળે પાડ્યો હતો.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન અને માલધારીઓ વચ્ચે ઢોરને લઈને મામલો ગરમાયો છે. એએમસીના ઢોરવાડામાં પશુઓના મોતને લઈને માલધારીઓમાં અસંતોષ ઊબો થયો છે. મંગળવારની રાત્રે મોટી સંખ્યામાં માલધારીઓ દાણીલીમડા ઢોરવાડાની બહાર ઊમટી પડતા ચક્કાજામના દૃશ્યો જોવા મળ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. અને સાયરનથી વિસ્તાર ગુંજી ઊઠ્યો હતો. એક તબક્કે મામલો બિચકે એ પહેલા પોલીસે મામલો થાળે પાડ્યો હતો અને માલધારીઓ થોડીવારમાં વિખેરાઇ ગયા હતા.
માલધારીઓના કહેવા મુજબ પશુપાલકો દ્વારા છેલ્લા ત્રણ દિવસથી ધરણા ચાલી રહ્યા છે. પશુપાલકોના ઘરેથી પકડીને ગાયો લઈ જવામાં આવે છે. હાઇકોર્ટે એવું કહ્યું છે કે, રોડ પરથી ગાયો પકડી લ્યો પણ મ્યુનિ, દ્વારા માલધારીઓના ઘરેથી ગાયો પકડવામાં આવે છે. ઢોરવાડામાં યોગ્ય સારસંભાળના અભાવે ગાયો મત્યુ પામે છે. માત્રને માત્રને ગાય માતાની હત્યાને લઈને અમે ધરણા પર બેઠા છીએ. રોજની 25 ગાય મરે છે. અમે AMC ઓફિસે જઈશું, ત્યાં અમને જવાબ ન મળ્યો તો ગાંધીનગર આમરણાંત અન્ન-જળનો ત્યાગ કરી ધરણા કરવાના છીએ.
માલધારી સમાજ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે, AMCની બેદરકારીથી પશુઓના મોત થઈ રહ્યાં છે. માલધારીઓ દાણીલીમડા વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઢોરવાડાની બહાર રાત્રે ધરણા પર બેઠા હતા. જેમાં સમાજના કેટલાક મોટા આગેવાનો પણ પહોંચ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં માલધારી સમાજના યુવાનો પણ એકત્રિત થયા હતા. મોટી સંખ્યામાં માલધારીઓ ભેગા થઈ જતા દાણીલીમડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે થોડીવારમાં જ પોલીસ દ્વારા માલધારીઓના ટોળાને વિખેરી દેવામાં આવ્યું હતું.