
અમરેલીઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ-ચાર મહિના બાકી રહ્યા છે. ત્યારે ભાજપએ ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલીની મુલાકાત લઈને જિલ્લાના ભાજપના અગ્રણીઓ સાથે ટિફિન બેઠક યોજીને ચૂંટણી અંગે ચર્ચા કરી હતી. જેમાં જિલ્લાના આગેવાનોએ જિલ્લાની તમામ બેઠકો જીતવાની મુખ્યમંત્રીને ખાતરી આપી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપે કમરકસી છે. વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગ રૂપે અમરેલીના તુલસી પાર્ટી પ્લોટ ખાતે ભાજપની ટિફિન બેઠી યોજાઇ હતી. આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી અમરેલી જિલ્લાના પૂર્વ ધારાસભ્યો તેમજ અમરેલી જિલ્લાના પ્રભારી આર.સી મકવાણા અમરેલી જિલ્લાના સાંસદ નારણ કાછડીયા તેમજ અમરેલી જિલ્લાના ભાજપના પ્રમુખ કૌશિક વેકરીયા અને અમરેલી જિલ્લાના તમામ ભાજપના હોદ્દેદારો આ ટિફિન બેઠકમાં હાજર રહ્યા હતા. ટિફિન બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોના પ્રશ્નો સાંભળ્યા હતા. આ ટિફિન બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ભાજપના તમામ કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ નહીં થયેલા કામોના પ્રશ્નોની વણઝાર રજૂ કરી હતી. જેમાં ખાસ કરીને સાવરકુંડલાનો જીઆઇડીસીનો પ્રશ્ન, શિયાળબેટમાં પીવાના પાણીનો પ્રશ્ન તેમજ ખેડૂતોની જમીન માપણી અને ખરાઈના દાખલા, વાવાઝોડામાં હજુ સુધી બે લોકોને મૃત્યુ સહાય નથી મળી, બે વર્ષ પહેલા જ નવા બનાવેલા રસ્તાઓ તૂટી ગયા છે. આવા અનેક પ્રશ્નોની મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરવામાં આવી હતી.
ટિફિન બેઠક પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલીપ સંઘાણી અમરેલી કાછડીયા અમરેલી જિલ્લાના પ્રભારી આર સી મકવાણા તેમજ ભરત બોઘરા સાથે ભોજન લીધું હતું. ત્યારબાદ મીડિયા સાથે વાતચિત કરી હતી. જેમાં બે સિનિયર મંત્રીઓ પાસેથી ખાતા શા માટે પરત લેવામાં આવ્યા તેવો પ્રશ્ન પૂછતા મુખ્યમંત્રીએ હાથ જોડીને કોઈ જવાબ નહોતો આપ્યો.