
ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખેત ઉત્પન્ન બજાર સમિતિ યાને માર્કેટિંગયાર્ડમાં ખરીફ પાકની સારીએવી આવક થઈ રહી છે. બુધવારે મોટી સંખ્યામાં ખેડુતો કૃષિ પેદાશ વેચવા માટે આવ્યા હતા. દરમિયાન વેપારીઓ ખરીદીમાં વજન કપાત કરી રહ્યા હતા. તેથી ખેડુતોને નુકશાન થતું હતું. એટલે વજન કપાતના મુદ્દે ખેડૂતોએ વિરોધ કરતા કપાસ, ડુંગળી સહિતની જણસોની હરરાજી અઢી-ત્રણ કલાક બંધ થઈ જવા પામી હતી.આખરે માર્કેટિંગ યાર્ડના વહિવટદારોએ મધ્યસ્થી બનીને બન્ને પક્ષને સમજાવતા હરાજી શરૂ કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારે ડુંગળી નિકાસ પર પ્રતિબંધ જાહેર કરતાં જ ખેડૂતો લાલઘૂમ થયા છે અને આ હુકમ તત્કાળ પાછો ખેંચી લેવાની ઉગ્ર માંગ સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં ફક્ત ભાવનગર માર્કેટિંગયાર્ડ સિવાય જિલ્લાના તમામ તાલુકામાં આવેલા એપીએમસી સેન્ટરોમાં ડુંગળીની હરરાજી-ખરીદી સંપૂર્ણ પણે ઠપ્પ છે. ભાવનગર એપીએમસી સેન્ટર ખાતે પણ બે દિવસના વિરોધ બાદ બુધવારે ડુંગળીની હરરાજી -વેચાણ શરૂ કરવામાં આવ્યું હતુ, ત્યારે ઉઘડતી બજારે વજન કપાતના મુદ્દે વિવાદ ઘેરો બનતા વેપારીઓએ હરરાજી બંધ કરી હતી.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે અગાઉ પરીપત્ર જાહેર કર્યો હતો કે કોઈ પણ ખેડૂત ખેત જણસ લઈને માર્કેટિંગયાર્ડમાં વેચાણ માટે આવે ત્યારે તે ખેત જણસોનુ કાંટોકાંટ વજન કરી વેચાણના નાણાંની પૂરેપૂરી ચુકવણી કરવામાં આવે પરંતુ આ સિઝન શરૂ થતા જ ડુંગળીના વેપારીઓએ કપાત પ્રથા ફરી શરૂ કરતા કપાસની ખરીદી કરતા વેપારીઓએ કપાસની ખરીદી પણ કપાત વજન સાથે કરવાનો હઠાગ્રહ રાખતા ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો અને વજન કપાત વિના જ કપાસની ખરીદીનો આગ્રહ રાખતા કપાસની ખરીદી બંધ કરી હતી. કપાસની હરરાજી-ખરીદી બંધ થતા ડુંગળીની પણ હરરાજી- ખરીદી બંધ કરવામાં આવતા ખેડૂતો-વેપારીઓ આમને-સામને આવ્યા હતા અને ઉગ્ર દલીલો શરૂ થઈ હતી. દરમિયાન માર્કેટિંગયાર્ડ વહિવટી વિભાગના હોદ્દેદારો આ વિવાદમાં મધ્યસ્થી માટે ઉતર્યા હતા અને માર્કેટિંગયાર્ડમાં ખેડૂતોએ ઉતારેલ કપાસ-ડુંગળીની જૂની પધ્ધતિ મુજબ ખરીદી શરૂ રાખવા અપીલ કરી હતી અને જયાં સુધી સરકાર વજન કપાત મુદ્દે સ્પષ્ટતા ન કરે ત્યાં સુધી હરરાજી ખરીદી કે વેચાણ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે વાત સાથે વેપારીઓ-ખેડૂતો સહમત થતા ત્રણ કલાકથી પછી તરત જ હરાજી શરૂ થઈ હતી.