
અમદાવાદઃ ગુજરાતમાં મે મહિનાના આકરા તાપને કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. અમદાવાદ સહિતના શહેરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોચતા લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં આજથી ફરીવાર હવામાનમાં પલટો આવ્યો છે. અને 16મી મે સુધી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં માવઠું પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ગરમીને કારણે સીઝનલ બિમારીના કેસ પણ વધી રહ્યા છે. ત્યારે રાજ્યમાં ફરીવાર વાતાવરણમાં પલટાની હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે. કે, એક સપ્તાહ સુધી વિવિધ જિલ્લામાં છૂટાછવાયા માવઠાની શક્યતાઓ છે. આ સાથે મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી ઘટાડાની સંભાવના રહેલી છે. હાલમાં ભારતના ઉત્તર ભાગમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યું છે, તેના કારણે ગુજરાતમાં માવઠાની શક્યતાઓ છે. આ ઉપરાંત અરબ સાગરમાં ઉત્તર પૂર્વ દિશા તરફ સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. તેને કારણે આગામી બેથી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં હળવા વરસાદની શક્યતાઓ છે. વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે.
હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજયમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે. ઉત્તર અરબસાગરમાં સક્રિય થયેલા ચક્રવાતની અસર વર્તાશે. 11મી મેથી વંટોળ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના ગીરસોમનાથ, ભાવનગર, અમરેલી સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 4 તથા 15 મે સૌરાષ્ટ્રના બોટાદ, રાજકોટ, અમરેલી તથા ગીરસોમનાથમાં વરસાદ વરસી શકે છે. તમને જણાવી દઈએ કે ગુજરાત પાસે 4 સિસ્ટમ સક્રિય થઈ છે. જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ ઉપર અને સિસ્ટમ અરબસાગર ઉપર સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે.