
અમદાવાદના મેમનગરમાં મ્યુનિ. દ્વારા 30 લાખના ખર્ચે બનાવેલું ટેનિસ કોર્ટ મહિનાઓમાં તૂટી ગયું
અમદાવાદઃ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ રમતો માટેના સંકુલ બનાવવામાં આવે છે, પણ યોગ્ય દેખભાળના અભાવે અને નબળા બાંધકામને લીધે મહિનાઓમાં સકુલો અને રમતગમતના મેદાનોની હાલત જર્જિરિત બની જતી હોય છે. શહેરના ઘાટલોડિયાના મેમનગર વિસ્તારમાં રૂ.30 લાખના ખર્ચે બનાવાયેલી ટેનિસ કોર્ટ જર્જરિત બની ગઈ છે. વર્ષ 2020માં આ ટેનિસ કોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેની તકતી પણ તૂટી ગઈ છે. મુખ્યમંત્રીના જ મત વિસ્તારમાં બનાવવામાં આવેલું ટેનિસ કોર્ટ બે વર્ષથી ધૂળ ખાય છે. ઠેર-ઠેર ગંદકી જોવા મળે છે, શૌચાલય પણ તૂટી ગયા છે. દારૂની બોટલો પણ ત્યાંથી મળી આવતાં આ ટેનિસ કોર્ટ અસામાજિક તત્ત્વોનો અડ્ડો બની ગયું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના મેમનગર તળાવની પાસે આવેલી દિવ્યપથ સ્કુલની બાજુમાં આવેલા પ્લોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 30 લાખના ખર્ચે ટેનિસ કોર્ટ બનાવવામાં આવ્યું હતું. ડિસેમ્બર 2020માં તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પરંતુ આ ટેનિસ કોર્ટ ચાલુ થયા પછી આજે પણ બંધ હાલતમાં છે. મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા વિવિધ રમતો માટે ખેલાડીઓને સ્પોર્ટ્સ સંકુલ, ટેનિસ કોર્ટ અને બેડમિન્ટન કોર્ટ વગેરે બનાવવામાં આવે છે. પરંતુ પ્રજા માટે નહિ પરંતુ તેને કોન્ટ્રાકટ પર આપવા માટે તેમજ અન્ય કારણોસર તેને ખુલ્લો મુકવામાં આવતો નથી. પ્રજાના પૈસે આવા ટેનિસ કોર્ટ બનાવી દેવાય છે પરંતુ લોકાર્પણ કર્યા બાદ તેને ભાજપના સત્તાધીશો ભૂલી જાય છે. ટેનિસ કોર્ટ બે વર્ષથી ધૂળ ખાય છે. ઠેર-ઠેર ગંદકી જોવા મળે છે, શૌચાલય પણ તૂટી ગયા છે. દારૂની બોટલો પણ ત્યાંથી મળી આવતાં આ ટેનિસ કોર્ટ અસામાજિક તત્ત્વોનો અડ્ડો બની ગયું છે. દરમિયાન અમદાવાદ મ્યુનિ.ના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, આ ટેનિસ કોર્ટ છેલ્લા બે વર્ષથી બંધ છે અને જલ્દીથી આ ટેનિસ કોર્ટને ખોલવામાં આવે. બીજી તરફે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે કહ્યું હતું કે, મેમનગર ટેનિસ કોર્ટ માટે PPP ધોરણે ચલાવવા ટેન્ડરની પ્રક્રિયા કરવામાં આવી છે અને આ પ્રક્રિયા હાલમાં ચાલુ છે જેના કારણે બંધ છે
વિપક્ષના નેતાએ આ જગ્યાની મુલાકાત લીધા બાદ જણાવ્યું હતું કે આ જગ્યામાં દેશી દારૂની થેલીઓ અને વિદેશી દારૂની બોટલો પડી છે. ગંદકી છે, અને ઉદ્દઘાટનની તકતી પણ તૂટેલી છે. બે વર્ષ પહેલા તત્કાલીન મુખ્યમંત્રી દ્વારા ટેનિસ કોર્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. અનેક ટેનિસ કોર્ટ બનાવી અને તેને કોન્ટ્રાકટ પર આપવામાં આવે છે પરંતુ ટેનિસ કોર્ટ અત્યારે બંધ હાલતમાં છે. તેને ઝડપથી શરૂ કરવામાં આવે તેની માગણી કરી હતી