
રાજકોટઃ શહેરમાં ઉનાળા દરમિયાન કાયમ પાણીનો કકળાટ થતો હોય છે. કેટલાક લોકો વધુ પાણી મેળવવાની લાલચમાં નળ પર ઈલે.મોટર મુકીને પાણી ખેંચતા હોય તેને લીધે આજુબાજુના લોકોને પુરતું પાણી મળતુ નથી. આવી ફરિયાદો ઉઠતા મ્યુનિ.કમિશનરે પાણીની ચોરી કરનારા સામે કડક પગલાં લેવા સુચના આપી હતી. મ્યુનિ. દ્વારા પાણીના નળમાં ઇલેક્ટ્રિક મોટર મૂકતા કે અન્ય કોઈ અનઅધિકૃત રીતે ડાયરેકટ પમ્પિંગ કરતા લોકો સામે પગલાં લેવા તેમજ શહેરમાં પીવાના પાણીમાં અન્ય સોર્સમાથી ભળતું ગંદુ પાણી કે ઓછા ફોર્સથી નળમાં પાણી આવવાની ફરિયાદોના નિકાલ અર્થે સ્થળ ચકાસણીની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં એક જ દિવસમાં 1362 ઘરોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં નળ પર ઈલે. મોટર મુકીને ડાયરેક્ટ પમ્પિંગ કરતા કુલ 12 કિસ્સા મળ્યા હતા. મ્યુનિ.એ આઠ મકાન માલિકોને નોટીસ અને 10 રહિશોની ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરવામાં આવી હતી. ડાયરેક્ટ પમ્પિંગ અને ફળિયા ધોવા બાબતે રૂ.8 હજારની પેનલ્ટી વસુલ કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં નળમાં ઈલે. મોટર મુકીને પાણી ચોરી તેમજ કેટલાક લોકો પાણીનો ફળિયા ઘોવામાં ઉપયોગ કરીને પાણીનો બગાડ કરતા હોવાની ફરિયાદો ઊઠી હતી. આથી મ્યુનિ.કમિશનરે પાણીની ચોરી અને પાણીનો બગાડ કરતા રહિશો સામે પગલાં લેવાની સુચના આપી હતી. અને દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. પાણી ચકાસણી ઝુંબેશ દરમિયાન જો કોઇ આસામી ડાયરેક્ટ પમ્પિંગ કરતા માલુમ પડે તેવા કિસ્સાઓમાં રૂ. 2000ની પેનલ્ટી વસુલ કરવા, નોટિસ ઇસ્યુ કરી મુદ્દત આપવામાં આવે છે. તેમજ જો કોઇ ફળિયા ધોતા માલુમ પડે તો તેમની પાસેથી રૂ. 250નો દંડ વસૂલ કરવામાં આવે છે. સેન્ટ્રલ ઝોનના વિવિધ વોર્ડના વિસ્તારોમાં ચકાસણી દરમ્યાન 8 લોકો ડાયરેકટ પમ્પિંગ કરતા મળ્યા હતા. કુલ 7 ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરવામાં આવી હતી અને 5ને નોટીસ આપવામાં આવી હતી તેમજ રૂ.3 હજારની પેનલ્ટી વસુલ કરવામાં આવી હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરના ઈસ્ટ ઝોનના વિવિધ વોર્ડના વિસ્તારોમાં ચકાસણી દરમિયાન 2 લોકો નળમાંથી ડાયરેકટ પમ્પિંગ કરતા મળ્યા હતા. કુલ 1 ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરવામાં આવી હતી અને 3ને નોટીસ આપવામાં આવી હતી તેમજ રૂ.3 હજારની પેનલ્ટી વસુલ કરવામાં આવી હતી. વેસ્ટ ઝોનના વિવિધ વોર્ડના વિસ્તારોમાં ચકાસણી દરમિયાન 1 આસામી ડાયરેકટ પમ્પિંગ કરતા મળ્યા હતા. કુલ 2 ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરવામાં આવી હતી તેમજ રૂ.2 હજારની પેનલ્ટી વસુલ કરવામાં આવી હતી.