1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સોરઠ પંથકમાં ગીરની રસમધૂર ગણાતી કેસર કેરીના પાકને માવઠાનો માર, 40 ટકા નુકસાનીનો અંદાજ
સોરઠ પંથકમાં ગીરની રસમધૂર ગણાતી કેસર કેરીના પાકને માવઠાનો માર, 40 ટકા નુકસાનીનો અંદાજ

સોરઠ પંથકમાં ગીરની રસમધૂર ગણાતી કેસર કેરીના પાકને માવઠાનો માર, 40 ટકા નુકસાનીનો અંદાજ

0
Social Share

જુનાગઢઃ સોરઠ વિસ્તારમાં તલાલા-ગીરથી લઈને છેક ઊના સુધી અનેક આંબાવાડીઓ આવેલી છે. ઉપરાંત ગીરના ધારી સહિતના વિસ્તારોમાં પણ અનેક આંબાના બગીચા આવેલા છે. ગીરની સુમધુર ગણાતી કેસર કેરીની દેશમાં જ નહીં પણ વિદેશો પણ સારીએવી માગ રહેતી હોય છે. ત્યારે આ વખતે પ્રતિકૂળ વાતાવરણ અને ત્યારબાદ માવઠાએ કેરીના પાકને અગણિત નુકશાન પહોંચાડ્યું છે. ગીર વિસ્તારમાં હાલ 35થી 40 ડિગ્રી તાપમાનનો પારો હોવો જોઈએ. ગરમી વધવી જોઈએ જેને બદલે હાલ 25થી 30 ડીગ્રી જ તાપમાન રહે છે. તે કેરીના પાક પાક માટે પ્રતિકૂળ છે.

ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લી. ખેત સેવા કેન્દ્ર જૂનાગઢના અધિકારી પ્રવીણભાઈએ રિવાઈ(રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગીર પંથકમાં કમોસમી વરસાદના પગલે કેસર કેરીના પાકને નુકશાન થયું છે. માવઠાને કારણે લગભગ 40 ટકા જેટલુ નુકશાન થયાનો અંદાજ છે. તાલાલા સહિતના કેટલાક વિસ્તારમાં કેસર કેરીઓ ખુબ ઓછી જોવા મળે છે.

રાજ્યમાં આ વખતે ઉનાળામાં ગરમીની સાથે માવઠું અને કરા પડ્યા હતા  જેની સીધી અસર કેરીના પાક પર પડી  છે. ગીરમાં હજારો હેકટર જમીનમાં કેસર કેરીના બગીચાઓ આવેલા છે. જેનાથી ગીરના ખેડૂતો પોતાનું ગુજરાન ચલાવે છે. બે વર્ષ પહેલાં તાઉતે વાવાઝોડાની અસરનાં કારણે કેસર કેરીના ઉત્પાદકોની દશા બેઠી હતી. આ વર્ષે પણ સતત કમોસમી વરસાદ અને કરાને કારણે ચાલુ વર્ષે કેસર કેરીના રસિકોને પણ કેરી કડવી લાગશે. આ વર્ષે ખરેખર કેસર કેરીની દશા બેઠી છે

ગીર પંથકના ખેડુતોના કહેવા મુજબ આંબાનાં બગીચાઓમાં ત્રણ તબક્કામાં ફલાવરિંગ આવ્યું હતું. શરૂઆતમાં તો મોર પુષ્કળ પ્રમાણમાં આવતા એવું લાગતું હતું કે, આ વર્ષ કેસર કેરીનો મબલખ પાક થશે. દાણો પણ સારો બાઝયો હતો. ત્યારબાદ ભૂકીછારો, પીળિયો અને મધિયાના રોગે ખેડૂતોને મૂંઝવ્યા. ગરમી વધવાને કારણે રોગ પર તો કુદરતી કાબુ આવી ગયો પરંતુ વાતાવરણની વિષમતાએ ખેડૂતોના મુખમાં આવેલો કોળિયો ઝૂંટવી લીધો છે. આ વર્ષે કેસર કેરીનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થવાનો અંદાજ હતો. પરંતુ કરા અને કમોસમી વરસાદે ખેડૂતોની બાજી ઊંઘી વાળી દીધી છે. કેસરમાં રોગોને કારણે ખરણ આવવાનું બાકી હતું ત્યાં કમોસમી વરસાદે કેરીની દશા બગાડી છે. આથી આ વર્ષ કેસરનું ઉત્પાદન ચોક્કસ ઘટશે તે નિર્વિવાદ બન્યું છે.

કૃષિ યુનિના તજજ્ઞોના કહેવા મુજબ ગીર વિસ્તારમાં હાલ 35થી 40 ડિગ્રી તાપમાનનો પારો હોવો જોઈએ. ગરમી વધવી જોઈએ જેને બદલે હાલ 25થી 30 ડીગ્રી જ તાપમાન રહે છે. જેમ જેમ તાપમાન વધે તેમ તેમ કેસર કેરીના બગીચાઓમાં વૃદ્ધિ થતી હોય છે. પણ વાતાવરણની વિષમતાને કારણે કેસર પર આવેલી ખાખડીઓ ખરી ગઈ. જે બચી છે તે હજુ ઘણી નાની છે. દર વર્ષે માર્ચના ત્રીજા અઠવાડિયામાં કેરી બજારમાં આવી જતી હોય છે. આ વર્ષ હજુ નાની ખાખડી જ જોવા મળે છે. એ પણ આંગળીના વેઠે ગણાય તેમ આંબા પર બાઝેલી રહી છે. જેના કારણે આ વર્ષે કેરીનું ઉત્પાદન ચોક્કસ ઘટશે અને ભાવો પણ ઘણા ઊંચા રહેશે તેમ લાગી રહ્યું છે.

યાર્ડના વેપારીઓના કહેવા મુજબ  આગામી 15થી 20 દિવસમાં જે કેરી બચી અને વૃદ્ધિ પામી હશે તે બજારમાં આવશે. શરૂઆતી ભાવ 1000થી 1500 રૂપિયા પ્રતિ બોક્સનો રહેશે તેવું માનવું છે. કેસર કેરી જૂજ માત્રામાં બજારમાં આવશે. આથી ભાવ ઊંચા રહેવાની પૂર્ણ સંભાવના છે.  ઓછા ઉત્પાદનને કારણે કેસરની સિઝન પણ ટૂંકી ચાલે તેવો અંદાજ અંકાય રહ્યો છે. 10 કિલો કેસર કેરીના બોક્સનો ન્યૂનતમ ભાવ 700 અને મહત્તમ ભાવ 1200 રહે તેવી શકયતા રહેલી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code