1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વિપુલ ચૌધરીના સમર્થમમાં વિસનગરના 24 ગામોમાં ભાજપને પ્રવેશબંધી, આજે બાસણામાં મહાસભા,
વિપુલ ચૌધરીના સમર્થમમાં વિસનગરના 24 ગામોમાં ભાજપને પ્રવેશબંધી, આજે બાસણામાં મહાસભા,

વિપુલ ચૌધરીના સમર્થમમાં વિસનગરના 24 ગામોમાં ભાજપને પ્રવેશબંધી, આજે બાસણામાં મહાસભા,

0
Social Share

મહેસાણાઃ જિલ્લાના સહકારી ક્ષેત્રના અગ્રણી અને દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની તેમના કાર્યકાળ દરમિયાન કથિત કૌભાંડમાં ધરપકડ કરવામાં આવતા ચૌધરી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જેમાં વિસનગર તાલુકાનાં ગામડાઓમાં વિપુલ ચૌધરીના સમર્થનમાં ગામોગામ અર્બુદા સેના તથા આંજણા ચૌધરી સમાજ દ્વારા ભાજપ પ્રવેશબંધીનાં બેનરો લગાવવામાં આવ્યાં છે. અર્બુદા સેના અધ્યક્ષ વિપુલ ચૌધરીની ધરપકડ કરતાં અર્બુદા સેના દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. જેને લઇ વિસનગર તાલુકાનાં 24 ગામોમાં ભાજપને પ્રવેશબંધીનાં બેનરો લગાવ્યાં છે. તેમજ વિપુલ ચૌધરીના સમર્થનમાં બાસણા અર્બુદા ધામ ખાતે આજે યોજાનારા સદભાવના યજ્ઞ તેમજ મહાસંમેલનમાં મોટી સંખ્યામાં ચૌધરી સમાજ ઉપસ્થિત રહી સમાજ શક્તિનું પ્રદર્શન કરશે.

સૂત્રોના જણાવ્યા મુજબ  વિસનગર તાલુકાનાં 24 ગામોમાં ભાજપ પ્રવેશબંધીનાં બેનરો લગાવામાં આવ્યાં છે. જેમાં જ્યાં સુધી અર્બુદા સેના અધ્યક્ષ વિપુલ ચૌધરીને મુક્ત કરવામાં આવશે નહીં ત્યાં સુધી ભાજપના કોઈપણ નેતા, મંત્રી કે આગેવાનને ગામમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં તેવું દરેક ગામના અર્બુદા સેના તથા આંજણા ચૌધરી સમાજ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. વિસનગર તાલુકાના દઢિયાળ, મગરોડા, ખરવડા, બાસણા, ચિત્રોડા, ચિત્રોડીપુરા, મેઘા અલિયાસણા, ગુંજાળા, તરભ, ખંડોસણ, કાજી અલિયાસણા, પાલડી, કિયાદર, છોગાળા, ગુંજા, ઉદલપુર, કામલપુર (ગો), રામપુરા (દ), રાવળાપુરા, રામપુરા (લા), ખદલપુર, બાકરપુર, રંગાકુઈ તેમજ રંડાલા ગામે અર્બુદા સેના દ્વારા ભાજપને પ્રવેશબંધીનાં બોર્ડ લગાવવામાં આવ્યાં છે.

આ અંગે ગુંજા ગામના આંજણા ચૌધરી સમાજના લોકોએ જણાવ્યું હતું કે,  વિપુલભાઈનો કોઈ વાંકગુનો નથી. તેમને ખોટા કેસમાં સંડોવી દઈને ખોટી રીતે જેલમાં પૂર્યાં છે. એના માટે ગમે તે કરીને અમે છૂટા કરાવીશું. કોઈ પણ ભાજપનો આગેવાન કે નેતા આવે તો અમારા ચૌધરીનાં ગામોમાં પ્રવેશ કરવા દઈશું નહીં,  જ્યાં સુધી વિપુલભાઈને છોડવામાં આવશે નહીં ત્યાં સુધી વિરોધ કરીશું. કોઈ ભાજપનો કાર્યકર આવશે તો અમે પેસવા નહીં દઈએ. કોઈએ આવવાનું નહીં અને કોઈ આવશે તો અમે ધોકાબાજી કરીશું. અમારો આંજણા સમાજ એક છે અને એક રહેવાનો છે. જેમાં આજે અર્બુદા માતાનો યજ્ઞ યોજાશે અને ચૌધરી સમાજની 50 હજારથી વધારે જનમેદની ઊમટી પડશે.

વિસનગર તાલુકાના બાસણા ગામે અર્બુદા ધામમાં આજે તારીખ 22/09/2022 ના રોજ સદભાવના યજ્ઞ અને મહાસંમેલનનું આયોજન અર્બુદા સેના દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં અર્બુદા સેના તેમજ આંજણા ચૌધરી સમાજ ઉપસ્થિત રહેશે. આ સંમેલનમાં 50 હજારથી પણ વધુની જનમેદની ઊમટી પડશે એવો ચૌધરી સમાજના આગેવાનોએ દાવો કર્યો હતો.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code