
અમદાવાદઃ ગુજરાત સેવા પસંદગી મંડળ દ્વારા આગામી તા. 7મી મેને રવિવારના રોજ લેવાનારી તલાટી-મંત્રીની ભરતી માટેની પરીક્ષામાં 8 લાખ જેટલા ઉમેદવારો હોવાથી પરીક્ષાનું સંચાલન કસોટીરૂપ બન્યું છે. તંત્ર દ્વારા તલાટીની ભરતી માટેની પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.તલાટીની ભરતી પરીક્ષામાં ગેરરીતિને નાથવા માટે બોર્ડની ફ્લાઇંગ સ્ક્વોડને બદલે ક્લાસ-1 અને 2ના અધિકારીઓને પરીક્ષા કેન્દ્ર ખાતે ડ્યુટી સોંપવામાં આવી છે. ઉપરાંત જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્ર ખાતે બોડીવોર્ન કેમેરા સાથે પોલીસ જવાનો ફરજ બજાવશે. ઉમેદવારોને ચકાસણી કરીને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવશે.
ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા તલાટીની ભરતી માટે 7મી મેના રોજ લેવાનારી પરીક્ષાની તમામ તૈયારીઓ લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે. પરીક્ષામાં પેપરલીક તેમજ ગેરરીતિ જેવી ઘટના બને નહી તે માટે મંડળ દ્વારા તમામ પ્રકારનું આયોજન કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લામાં 36060 ઉમેદવારો પરીક્ષા આપવાના હોવાથી 109 પરીક્ષા કેન્દ્રોમાં 1202 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જોકે અગાઉની સ્પર્ધાત્મક પરીક્ષામાં પેપરલીક જેવી ઘટના બની હતી. આથી પંચાયત પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષાને લઇને ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ત્રિસ્તરીય સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટ્રોગરૂમમાંથી પ્રશ્ન પત્રો પરીક્ષા કેન્દ્ર સુધી લાવતી વખતે વિડિયો રેકોર્ડિંગ કરવામાં આવશે. ઉપરાંત પરીક્ષા કેન્દ્ર ખાતે આવ્યા બાદ પેપરના સીલબંધ પેકેટને ખોલતી વખતે તેમજ પરીક્ષાખંડમાં લઇ જવા સુધીનું વિડિયો રેકોર્ડિંગ કરાશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, તલાટીની ભરતી માટેની પરીક્ષાના કેન્દ્રો ખાતે પેપરલીક કે ગેરરીતિની સ્થિતિ ઉભી થાય નહી તે માટે બોર્ડ દ્વારા ફ્લાઇંગ સ્ક્વોડને રદ કરવામાં આવી છે. તેને બદલે જિલ્લાના 109 પરીક્ષાકેન્દ્ર ખાતે વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓને ડ્યુટી સોંપવામાં આવી છે. અધિકારીઓની દેખરેખ હેઠળ પરીક્ષાના પેપરનું પરીક્ષાખંડ સુધી વિતરણ તેમજ જમા લઇને સ્ટ્રોંગરૂમમાં જમા લઇ જવાની કામગીરી થશે. વધુમાં પરીક્ષા આપનારા ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રના પ્રવેશદ્વાર ખાતે જ ખાસ ચેકિંગ કરવામાં આવશે. ઉપરાંત દરેક પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષા પૂર્ણ થાય નહી ત્યાં સુધી બોડીવોર્ન કેમેરા સાથે પોલીસ જવાનોને ડ્યુટી સોંપવામાં આવી છે.