અમદાવાદઃ દિવાળીના તહેવારોને લીધે ફુલ બજારમાં ધૂમ તેજી જોવા મળી રહી છે. શહેરના જમાલપુર સ્થિત હોલસેલ ફૂલ બજારમાં સામાન્ય દિવસોમાં દૈનિક 10 થી 15 ક્વિંટલ સુધીની ફૂલોની આવક થતી હોય છે. તેની સામે દિવાળીના તહેવાર સમયે આ આવક 8થી 10 ગણી વધીને 100 ક્વિંટલ(10 હજાર કિલો) સુધી પહોંચી ગઈ છે.
દિવાળીના તહેવારોને લીધે ફુલ બજારમાં પણ ધૂમ તેજી જોવા મળી રહી છે. ફુલોની આવક વધવા સાથે તેના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાકાળ દરમિયાન ફૂલો પકવતા ખેડૂતો માટે ખૂબ કપરો સમય હતો. પરંતુ હવે પરિસ્થિતિ સુધરી છે અને તહેવારોનો સમય છે, તેવામાં ફૂલ માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. ફૂલોની આવક તો ડબલ થઇ છે, પરંતુ તેના ભાવ પણ ડબલ થઈ ગયા છે. સામાન્ય દિવસો જમાલપુર ફૂલ માર્કેટમાંથી અંદાજે 10-15 ક્વિંટલ(1000થી 1500) ફૂલની આવક થતી હોય છે. જેની સામે દિવાળીના તહેવાર સમયે આ આવક 100 ક્વિંટલ થઈ ગઈ છે, જે દિવાળીના 3-4 દિવસ સુધી યથાવત રહેશે.
શહેરના જમાલપુર ફૂલ બજારમાં માત્ર ફૂલોની આવક જ નહીં, પરંતુ તેના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. કારણ કે તહેવારોના સમયમાં ફૂલોની માંગ વધી જતી હોય છે. તેમજ વરસાદના કારણે ગુલાબના ફૂલનો પાક નષ્ટ થયો છે, જેના કારણે તેના ભાવ વધુ જોવા મળી રહ્યા છે. જમાલપુર ફૂલ માર્કેટના વેપારીએ જણાવ્યું હતું કે, ધનતેરસ અને દિવાળીના પૂજનમાં તથા વિવિધ પ્રકારના ડેકોરેશનમાં ફૂલોની જરૂરિયાત ઊભી થતી હોય છે. જેને લઇને ફૂલોના ભાવ હોલસેલ માર્કેટમાં ડબલ થયેલા જોવા મળી રહ્યા છે. અમદાવાદ જમાલપુર ફુલ માર્કેટમાં અમદાવાદ જિલ્લાના ગામડાઓમાંથી ઉપરાંત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી ફૂલો આવતા હોય છે. દિવાળીના સમયમાં મુખ્યત્વે ગલગોટા અને ગુલાબના ફૂલોની માંગ રહેતી હોય છે.