
કેન્દ્રિય મંત્રી મંડળમાં અમિત શાહ, પાટિલ, નિમુબેન, માંડવિયાનો સમાવેશ, રૂપાલા,દેવુસિંહની બાદબાકી
અમદાવાદઃ નરેન્દ્ર મોદીની એનડીએ સરકારમાં ગુજરાતમાંથી 5 સાંસદોનો સમાવેશ થશે. જેમાં અમિત શાહ, એસ જયશંકર, સીઆર પાટિલ, નિમુબેન અને માંડવિયાને સ્થાન આપવાનું નક્કી કરાયુ છે. મોદી સરકારની બીજી ટર્મમાં ગુજરાતમાંથી 7 મંત્રી હતા. જ્યારે નવા મંત્રીમંડળમાં પરશોત્તમ રૂપાલા અને ખેડાથી ત્રીજી વખત જીતેલા દેવુસિંહ ચૌહાણની બાદબાકી કરાશે.
નરેન્દ્ર મોદીની એનડીએ સરકારની શપથવિધિની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આજે રવિવારે સાંજે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના શપથ લેશે. તેની સાથે સાથે ગુજરાત ક્વોટામાંથી પણ પાંચ સાંસદને મંત્રી બનાવવામાં આવશે. જેમાં અમિત શાહ, સી.આર. પાટીલ, મનસુખ માંડવિયા, નિમુબેન બાંભણીયા અને એસ.જયશંકરનો સમાવેશ થાય છે. હાલ આ પાંચેય સાંસદને શપથ માટે ફોન કરી દેવામાં આવ્યા છે. જો કે ગુજરાતમાંથી રૂપાલા અને દેવુસિંહ ચૌહાણનું પત્તું કાપવામાં આવ્યું છે. વિદેશ મંત્રી એસ.જયશંકર ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે, એટલે તેમને ગુજરાતના ક્વોટામાં ગણવામાં આવ્યા છે. જ્યારે અન્ય ચાર સાંસદ તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં વિજેતા બન્યા હતા.
સૂત્રોના કહેવા મુજબ 2014 અને 2019માં ભાજપની પૂર્ણ બહુમતીવાળી સરકાર હોવાથી સાથી પક્ષોને મંત્રીમંડળમાં ઓછું સ્થાન મળ્યું હતું. બંને ટર્મમાં કુલ મળીને ગુજરાતના 13 સાંસદો મોદી સરકારમાં મંત્રી રહ્યા છે. આ વખતે ગુજરાત ક્વોટામાંથી મંત્રીઓની સંખ્યા ઘટી શકે છે. 2014 અને 2019 બંને વખતે નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રીના પદ શપથ લીધા ત્યારે તેમના સિવાય ગુજરાતમાંથી બે કેબિનેટ કક્ષાના અને બે રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ લીધા હતા. મોદીની પહેલી ટર્મમાં મંત્રીમંડળ વિસ્તરણ વખતે ગુજરાતમાંથી 2 મંત્રીઓનું પત્તું કપાયું હતું અને નવા 3 મંત્રીઓ ઉમેરાયા હતા. જ્યારે મોદી 2.0માં મંત્રીમંડળ વિસ્તરણ વખતે માંડવિયા અને રૂપાલાને રાજ્યકક્ષાથી કેબિનેટ કક્ષાનો દરજ્જો મળ્યો હતો. 2021માં દર્શના જરદોશ, દેવુસિંહ ચૌહાણ અને મહેન્દ્ર મુજપરાને રાજ્યકક્ષાના મંત્રી બનાવાયાં હતાં.(File photo)