
કોરોનાનું સંક્રમણ ઘટતા રાજકોટથી દિલ્હી-મુંબઈ હવાઈ સેવામાં મુસાફરોમાં વધારો
અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની રસીકરણનું મહાઅભિયાન ચાલી રહ્યું છે. બીજી તરફ કોરોનાનું સંક્રમણ ઓછુ થતા જનજીવન ફરીથી રાબેતા મુજબ થઈ રહ્યું છે. જેથી હવાઈ મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે. રાજકોટથી દિલ્હી અને મુંબઈ વચ્ચે ઉડ્ડયન કરતી ફલાઈટોમાં મુસાફરોની સંખ્યા વધી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ એરપોર્ટ ઉપર જાન્યુઆરી મહિનામાં મુંબઈ-દિલ્હીથી આવતા-જતા મુસાફરોની સંખ્યા વધી હોવાનું જાણવા મળે છે. રાજકોટ એરપોર્ટ પર હાલ સ્પાઈસ જેટ અને એર ઈન્ડીયા એરલાઈન્સની દિલ્હી અને મુંબઈની ફલાઈટોનું આવાગમન થાય છે. રાજકોટ એર ઈન્ડીયાના મેનેજરના જણાવ્યા અનુસાર, રાજકોટ-દિલ્હીની ડેઈલી ફલાઈટ અને સપ્તાહમાં મંગળ, ગુરુ, શનિ મુંબઈની ફલાઈટમાં મુસાફરોની સંખ્યા વધી છે. દિલ્હી-મુંબઈ રૂટ પર ઉડ્ડયન કરતી એરબસ 122 સીટની સુવિધા હોવાથી મુસાફરોને વિમાની સેવાનો સાથે સમયસર લાભ મળી રહે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હવે કોરોના સંક્રમણમાં હળવાશ થતા ઉદ્યોગકારો, વેપારીઓ જોબવર્ક કરતા બિઝનેસમેનોની હવાઈ મુસાફરીમાં સંખ્યા વધી રહી છે.