પાલનપુરઃ ઉત્તર ગુજરાત એ બટાકા ઉત્પાદનનું હબ ગણાય છે. આ વર્ષે ચોમાસા દરમિયાન સારા વરસાદને લીધે રવિ સીઝનમાં સિંચાઈની મુશ્કેલી ન પડતા તેમજ સાનુકૂળ હવામાનને કારણે બટાકાનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું છે. બીજીબાજુ બટાકાના ભાવ તળિયે બેસી જતાં ખેડુતોની હાલત કફોડી બની હતી. ત્યારબાદ સરકારે પણ રાહત જાહેર કરી હતી. શ્રીમંત ગણાતા ખેડુતોએ તો કોલ્ડ સ્ટોરેજમાં બટાકાનો સ્ટોક જમા કરાવી દીધો હતો જ્યારે નાના ખેડુતોને પોતાનો માલ સસ્તાભાવે પણ વેચ્યા વિના છૂટકો નહતો. આખરે બટાકાના ભાવમાં તેજી આવતા ખેડુતોને રાહત મળી છે. મહેસાણા જિલ્લાના વિજાપુરમાં બટાકાનાં 100 રૂપિયા ભાવ હતા જે વધીને 200 રૂપિયા સુધી ભાવ થતા ખેડૂતોમાં રાહતની લાગણી પ્રસરી હતી. ઉત્તર ગુજરાતના અન્ય માર્કેટ યાર્ડ્સમાં પણ બટાકાના ભાવમાં વધારો નોંધાયો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે બટાકાના ભાવ ગગડતા 9419 હેક્ટરમાં વાવેતર કરી ચૂકેલા વિજાપુર તાલુકાના ખેડૂતોમાં ચિંતા વધી હતી. હિરપુરા, મહાદેવપુરા, રામપુરા, હસનાપુર સહિત ગ્રામ્યજનોએ સરકારમાં રજૂઆતો કરી હતી. સરકાર દ્વારા રાહત શરૂ કરવાની સાથે ભાવમાં પણ તેજી આવી હતી. જેમાં 100 રૂપિયાના ભાવથી વધી હાલમાં 200 રૂપિયા સુધી ભાવ વધતા ખેડૂતોમાં રાહતની લાગણી પ્રસરી છે. ખેડૂતોના કહેવા મુજબ હાલમાં સારી તેજી જાવા મળી રહી છે. પરંતુ બટાકાના કટ્ટાના પૈસા અલગથી લેવા જોઈએ. એપીએમસી મુજબ એક કિલો પણ કાપવા દેવું જોઈએ નહીં અને રૂપિયા પણ વટાવ કાપ્યા સિવાય રોકડા આપવા જોઈએ. ગાડીમાં કટ્ટા ભરવાના પૈસાનું વળતર મળવું જોઈએ. હાલમાં હિરપુરામાં રૂપિયા 130થી 201 બટાકાના ભાવ બોલાયા હતા. રામપુરામાં 201 રૂપિયા, હાથીપુરામાં 170 થી 200, હસનાપુરમાં 150 થી 180નો ભાવ બોલાયો હતો.