
ભારતે અપનાવ્યું કેનેડા પ્રત્યે કડક વલણ – વિઝા સેવા સ્થગિત કરી અને નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ
દિલ્હીઃ- ભારત અને કેનેડા વચ્ચે હાલ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે હવે ભારતે કેનેડાને વળતો જવાબ આપ્યો છે.ભારત અને કેનેડા વચ્ચેની તણાવની સ્થિતિ વચ્ચે પહેલા બંને દેશોના રાજદ્વારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને હવે નવી દિલ્હીએ કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે.
જાણકારી અનુસાર ભારત દ્વારા અત્યાર સુધીનું આ સૌથી મોટું પગલું છે. કેનેડાના પીએમએ ભારત પર ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવતા બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો. કેનેડાએ ભારત જતા પ્રવાસીઓ માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કર્યા બાદ હવે ભારતે વળતો પ્રહાર કર્યો છે. વિદેશ મંત્રાલયે કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ સ્થગિત કરી દીધી છે. એવું કહેવામાં આવ્યું છે કે આ સસ્પેન્શન આગામી આદેશો સુધી અમલમાં રહેશે.
મીડ્યા રિપોર્ટ પ્રમાણે વિઝા સેવાઓ સસ્પેન્ડ કરવા અંગે કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. જો કે, કેનેડામાં વિઝા અરજી કેન્દ્રો ચલાવતા BLS ઈન્ટરનેશનલે તેની કેનેડિયન વેબસાઈટ પર આ સંદર્ભમાં એક સંદેશ પોસ્ટ કર્યો છે.આ સાથે જ પોસ્ટ કરેલા સંદેશમાં લખ્યું હતું કે, “ભારતીય વિઝા સેવાઓ ગુરુવારથી આગળની સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ વિદેશ મંત્રાલય દ્વારા એક એડવાઈઝરી જારી કરવામાં આવી હતી જેમાં કેનેડા જતા ભારતીય નાગરિકોને સાવચેત રહેવા જણાવ્યું હતું. એવા કોઈ વિસ્તારમાં ન જશો જ્યાં ભારત વિરોધી ઘટનાઓ બની હોય અથવા એવી ઘટનાઓ બનવાની સંભાવના હોય. કેનેડામાં હેટ ક્રાઇમમાં વધારો થયો છે અને ત્યાં જતી વખતે સાવચેત રેહવા પણ કહ્યું છે.