ભારત અને પાકિસ્તાને પરમાણુ ઠેકાણાઓની યાદીની કરી આપ-લે
નવી દિલ્હી, 1 જાન્યુઆરી 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે સીમા પર વધતા તણાવ, સંબંધોમાં આવેલી કડવાશ અને તાજેતરના સૈન્ય સંઘર્ષ છતાં બંને દેશોએ પરમાણુ મોરચે રાજદ્વારી સમજદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વર્ષ 2026ની પ્રથમ સવારે એટલે કે ગુરુવારે, બંને દેશોએ પોતપોતાના પરમાણુ પ્રતિષ્ઠાનો અને સુવિધાઓની યાદી એકબીજાને સોંપી હતી.
મે 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસ સુધી ચાલેલા સૈન્ય સંઘર્ષ બાદ બંને દેશો વચ્ચેનો ભરોસો ન્યૂનતમ સ્તરે છે. તેમ છતાં, પરમાણુ હુમલા રોકવા સંબંધિત આ સંવેદનશીલ સમજૂતીનું પાલન એ દર્શાવે છે કે ‘પરમાણુ ટકરાવ’ હજુ પણ બંને દેશો માટે એક એવી ‘રેડ લાઇન’ છે જેને કોઈ ઓળંગવા માંગતું નથી.
- 35મી વખત યાદીની આપ-લે
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, નવી દિલ્હી અને ઇસ્લામાબાદમાં રાજદ્વારી માધ્યમો દ્વારા આ પ્રક્રિયા એકસાથે પૂર્ણ કરવામાં આવી હતી. આ આદાન-પ્રદાન ‘પરમાણુ પ્રતિષ્ઠાનો પર હુમલાના મનાઈ’ અંગેના દ્વિપક્ષીય કરાર હેઠળ કરવામાં આવ્યું છે. આ સમજૂતી પર 31 ડિસેમ્બર 1988ના રોજ હસ્તાક્ષર થયા હતા અને 27 જાન્યુઆરી 1991થી તે અમલમાં આવી હતી. 1 જાન્યુઆરી 1992થી શરૂ થયેલી આ પ્રક્રિયા હેઠળ આ સતત 35મું વર્ષ છે જ્યારે બંને દેશોએ માહિતી શેર કરી છે.
જોકે આ એક ટેકનિકલ અને ઔપચારિક પ્રક્રિયા છે, પરંતુ તેનો વ્યૂહાત્મક સંદેશ અત્યંત સ્પષ્ટ છે. ભારત કોઈપણ સંજોગોમાં પરમાણુ ક્ષેત્રે બિનજવાબદાર વર્તન કરવા માંગતું નથી. પાકિસ્તાન પણ જાણે છે કે પરમાણુ મોરચે ભૂલની કોઈ ગુંજાશ નથી. સરહદો પર ગમે તેટલી તીખી ભાષામાં નિવેદનબાજી થતી હોય, પરંતુ દક્ષિણ એશિયાને સંપૂર્ણ તબાહીથી બચાવવા માટે આ ‘પરમાણુ સંતુલન’ જાળવી રાખવું બંને દેશોની મજબૂરી અને સમજદારી છે.


