ભારત કોઈ પણ સપ્લાયર પાસેથી ઓઈલ ખરીદવા માટે આઝાદઃ રશિયા
નવી દિલ્હી, 5 ફેબ્રુઆરી 2026: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક તાજેતરના નિવેદને ભારત, અમેરિકા અને રશિયા વચ્ચેના ત્રિપક્ષીય રાજદ્વારી સંબંધોમાં ખળભળાટ મચાવી દીધો છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારત સાથેના નવા વ્યાપાર કરાર હેઠળ નવી દિલ્હી રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે અને અમેરિકી સામાનની આયાત વધારશે. જોકે, આ દાવા વચ્ચે રશિયાએ મૌન તોડતા સ્પષ્ટ કર્યું છે કે તેમને ભારત તરફથી આવી કોઈ જાણકારી મળી નથી. તેમજ ભારત કોઈ પણ સપ્લાયર પાસેથી ઓઈલની ખરીદી કરવા માટે આઝાદ હોવાનું જણાવ્યું હતું.
પીએમ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીત બાદ એક નવા ટ્રેડ પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. ટ્રમ્પે સોશિયલ મીડિયા અને મીડિયા નિવેદનોમાં જણાવ્યું હતું કે, “ભારત રશિયન તેલની ખરીદી બંધ કરવા અને તેના બદલે અમેરિકા પાસેથી ઊર્જા સ્ત્રોતો ખરીદવા સંમત થયું છે.” આ ઉપરાંત પરસ્પર ટેરિફ (જકાત) ઘટાડવાની પણ વાત કરવામાં આવી છે.
ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવએ ટ્રમ્પના દાવા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “અમે જાણીએ છીએ કે રશિયા ભારતને તેલ સપ્લાય કરનાર એકમાત્ર દેશ નથી. ભારત હંમેશા અન્ય દેશો પાસેથી પણ પેટ્રોલિયમ પેદાશો ખરીદતું આવ્યું છે, તેથી આમાં અમને કંઈ નવું લાગતું નથી.” વધુમાં તેમણે ઉમેર્યું કે રશિયાને ભારત તરફથી તેલ ખરીદી રોકવા અંગે કોઈ સત્તાવાર સંદેશ મળ્યો નથી અને રશિયા ભારત સાથેની વ્યૂહાત્મક ભાગીદારીને અત્યંત મહત્વ આપે છે.
ભારત સરકારે અત્યાર સુધી માત્ર ટેરિફ ઘટાડા અંગે જ સત્તાવાર પુષ્ટિ કરી છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, અમેરિકામાં ભારતીય સામાન પરનો ટેરિફ હવે ઘટીને 18 ટકા થઈ ગયો છે. અગાઉ આ ટેરિફ 25 ટકા અને વધારાના દંડ સાથે ઘણો ઊંચો હતો. પરંતુ, રશિયન તેલ પરના પ્રતિબંધ અંગે ભારત તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, જેને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે અસમંજસની સ્થિતિ સર્જાઈ છે.
આ પણ વાંચોઃ ચાલુ વર્ષે પાણીના સંગ્રહ માટે તળાવો ઊંડા કરવાની કામગીરી વહેલી શરૂ કરાશે


