સોલર એનર્જી ક્ષેત્રમાં ભારતે હરણફાળ ભરી, છેલ્લા સાત વર્ષમાં ક્ષમતામાં 17 ગણો વધારો
- સોલર ક્ષેત્રમાં ભારતની હરણફાળ
- ક્ષમતામાં થયો 17 ગણો વધારો
- યુએનમાં ભારતનો અવાજ
દિલ્હી :ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી તમામ ક્ષેત્રમાં સુધારો જોવા મળી રહ્યો છે. આવામાં ભારત દેશએ સોલર એનર્જી ક્ષેત્રમાં પણ હરણફાળ ભરી છે. વાત એવી છે કે ભારતે રવિવારે સંયુક્ત રાષ્ટ્ર ક્લાઈમેટ સમિટમાં કહ્યું કે દેશની સૌર ઉર્જા ક્ષમતા છેલ્લા સાત વર્ષમાં 17 ગણી વધીને 45,000 મેગાવોટ થઈ ગઈ છે. ભારતે અહીં યોજાયેલી COP-26 ક્લાઈમેટ સમિટમાં 11મી શેરિંગ ઑફ આઈડિયાઝ દરમિયાન તેના ત્રીજા દ્વિવાર્ષિક અપડેટેડ રિપોર્ટની રજૂઆત દરમિયાન આ વાત કહી. BUR ફેબ્રુઆરીમાં યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ ચેન્જ ટ્રીટી (UNFCCC) સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું.
ભારતે ભારપૂર્વક જણાવ્યું હતું કે તે વૈશ્વિક વસ્તીના 17 ટકા હિસ્સો ધરાવે છે અને તેમ છતાં તેનો કુલ ઉત્સર્જનમાં હિસ્સો માત્ર ચાર ટકા છે. ભારતે જણાવ્યું હતું કે તેણે 2005-14ના સમયગાળામાં તેના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ની ઉત્સર્જન તીવ્રતામાં 24 ટકાનો ઘટાડો હાંસલ કર્યો છે. સાથે જ તેણે તેના સૌર કાર્યક્રમમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે.
ગ્લાસગોમાં COP26 ક્લાઈમેટ સમિટમાં પીએમ મોદીએ તાજેતરમાં કહ્યું હતું કે ભારત રિન્યુએબલ એનર્જીની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે 2030 સુધીમાં ભારત જે ઉર્જા ઉત્પન્ન કરશે, તેમાંથી અડધાથી વધુ ગ્રીન એનર્જીથી થશે. ભારતે સૌપ્રથમ 500 ગીગાવોટ નોન-ફોસિલ ઈંધણનું (non-fossil energy) લક્ષ્ય નક્કી કર્યું છે. તેનો બીજો ધ્યેય 2030 સુધીમાં નવીનીકરણીય સ્ત્રોતો દ્વારા જરૂરી અડધી ઉર્જાનું ઉત્પાદન કરવાનો છે.
ભારત હાલમાં તેની કુલ વીજળીની જરૂરિયાતના 70 ટકા માટે કોલસા પર નિર્ભર છે અને 2030 સુધીમાં 50 ટકા બિન-અશ્મિભૂત ઈંધણ મેળવવાનું પડકારજનક રહેશે. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે ભારત વર્ષ 2070 સુધીમાં શુદ્ધ રૂપથી શૂન્ય ઉત્સર્જનનું લક્ષ્ય હાંસલ કરશે.