
તાઈવાન ઉપર ચીનના આક્રમણથી ભારતને અસર થવાની શકયતાઓ ઓછી
નવી દિલ્હીઃ ચીન અને તાઈવાન વચ્ચે હાલ સંબંધો વધારે તંગ બન્યાં છે તેમજ ચીન દ્વારા તાઈવાન ઉપર હુમલો કરવામાં આવે તેવી શકયતા છે. જેથી માઈક્રોચીપની આપાતમાં સમસ્યા ઉભી થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે પરંતુ ભારતને તેની અસર થવાની શકયતાઓ નહીંવત હોવાનું જાણવા મળે છે.
રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે તાઇવાનમાં કોઈ પણ પ્રતિકૂળ ઘટનાક્રમથી ભારત પ્રભાવિત થવાની સંભાવના નથી. ભારતના એકંદર વેપારમાં તાઇવાનનો હિસ્સો માત્ર 0.7 ટકા છે અને ટાપુમાંથી મૂડીનો પ્રવાહ પણ બહુ વધારે નથી.
આ અઠવાડિયે તાઇવાન અને ચીન વચ્ચે વધતો તનાવ જોવા મળ્યો હતો, જે અમેરિકન હાઉસ સ્પીકર નૅન્સી પેલોસીની ટાપુ રાષ્ટ્રની મુલાકાતથી શરૂ થયો હતો જેને બીજિંગ એક અલગ પ્રાંત તરીકે જુએ છે. વિસ્તારવાદી ચીને મિસાઇલોનું પરીક્ષણ કર્યું છે અને તાઇવાનની નજીકના વિસ્તારમાં જીવંત-અગ્નિ લશ્કરી કવાયત માટે 100 યુદ્ધવિમાન અને 10 યુદ્ધજહાજ મોકલ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, યુક્રેન અને રશિયા વચ્ચે 3 મહિનાથી વધારે સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. જેથી દેશના અન્ય દેશોમાં ઈંઘણ સહિતની મુશ્કેલી ઉભી થઈ છે.
(PHOTO-FILE)